ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી ! AIIMSમાં દાખલ કરાયો શંકાસ્પદ દર્દી

AIIMS monkeypox suspected patient : વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. હવે ભારતમાં પણ તેનો ખતરો તોળાઈ રહ્યો છે. મંકીપોક્સના શંકાસ્પદ દર્દીને નવી દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી ! AIIMSમાં દાખલ કરાયો શંકાસ્પદ દર્દી
| Edited By: | Updated on: Aug 21, 2024 | 8:34 PM

મંકીપોક્સના શંકાસ્પદ દર્દીને નવી દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દર્દી વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફર્યો હતો અને તેનામાં મંકીપોક્સના લક્ષણો દેખાઈ રહ્યા હતા. એઈમ્સમાં દાખલ થયેલ વ્યક્તિને હળવો તાવ અને માથાનો દુખાવો સાથે મંકીપોક્સના અન્ય લક્ષણો જણાતા હતા.

આ વ્યક્તિને AIIMSના અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. આ વોર્ડ મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે બનાવવામાં આવ્યો છે. વોર્ડમાં ડોકટરોએ મંકીપોક્સની તપાસ કરી છે અને તેના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે, દર્દી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે.

AIIMSના મીડિયા પ્રવક્તા ડૉ. રીમા દાદાએ જણાવ્યું હતું કે, એઈમ્સમાં શંકાસ્પદ મંકીપોક્સ દર્દીઓ એટલે કે જે લોકોને મંકીપોક્સના સામાન્ય લક્ષણો જણાતા હોય તેમને દાખલ કરવાની અને તેમના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંકીપોક્સના લક્ષણો સાથે એક વ્યક્તિને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેના તમામ ટેસ્ટ અહીં કરવામાં આવ્યા હતા અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

એઈમ્સમાં વોર્ડ બનાવવામાં આવ્યો

ડો. રીમાએ જણાવ્યું કે AIIMSના AB-7 વોર્ડમાં મંકીપોક્સના શંકાસ્પદ માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને તાવ, માથાનો દુખાવો, કમરનો દુખાવો, થાક, શરદી અને શરીર પર પિમ્પલ્સ હોય તો આ મંકીપોક્સના લક્ષણો ગણાવી શકાય છે. આવા દર્દીને શંકાસ્પદ ગણવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો દર્દીને વધુ સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે.

મંકીપોક્સના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ

મંકીપોક્સના જોખમને જોતા સરકાર એલર્ટ પર છે. દિલ્હીની ત્રણ હોસ્પિટલોમાં મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર અધિકારીઓને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને મંકીપોક્સના લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિને અલગ રાખવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલોમાં બેડની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓને PPE કીટ સાથે દર્દીની સારવાર અને સંભાળ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સાવચેત રહેવાની જરૂર

આ અંગે જાણીતા એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોર કહે છે કે, હવે ભારતમાં પણ મંકીપોક્સનો ખતરો તોળાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સૌ કોઈએ સતર્ક રહેવાની જરૂર છે. લોકોને આ રોગના લક્ષણો દેખાય કે તરત જ હોસ્પિટલમાં સારવાર માટે જવાની સલાહ આપવામાં આવે છે.

Published On - 8:32 pm, Wed, 21 August 24