‘આ તો ધોળા દિવસે લૂંટ છે’ – કેન્સરની ₹ 11000 ની દવા ₹ 1.30 લાખમાં મળતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કેન્દ્ર સરકારને ઝાટકી

કેન્સરની દવાઓ વાસ્તવિક ભાવ કરતાં 10 ગણા વધુ ભાવે વેચાતી હોવા પર સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લેતાં પૂછ્યું કે, "શું સરકાર લોકો માટે છે? આખરે આ ચાલી શું રહ્યું છે?"

આ તો ધોળા દિવસે લૂંટ છે - કેન્સરની ₹ 11000 ની દવા ₹ 1.30 લાખમાં મળતાં સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કેન્દ્ર સરકારને ઝાટકી
| Updated on: Oct 27, 2026 | 6:20 PM

કેન્સરની જીવનરક્ષક દવાઓના આસમાને પહોંચેલા ભાવો મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કરી પોતાનો આદેશ અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ બાબતે કેન્દ્ર સરકારને આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે તમામ પક્ષકારોને 2 અઠવાડિયાની અંદર પોતાની લેખિત રજૂઆત દાખલ કરવા આદેશ આપ્યો છે. હોસ્પિટલો દ્વારા કેન્સરની દવાઓને તેની મૂળ કિંમત કરતાં 10 ગણા વધુ ભાવે વેચવામાં આવી રહી હોવા સામે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે દર્દીઓને એક પ્રકારે ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકતાં સવાલ કર્યો કે, “આ તો ધોળા દિવસે લૂંટ ચાલી રહી છે; શું સરકાર લોકો માટે છે? આખરે આ બધું ચાલી શું રહ્યું છે?” કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે સરકાર સતત સુધારાઓ કરી રહી છે. તેના પર કોર્ટે ટકોર કરી કે આ તમામ ફેરફારો સંપૂર્ણપણે મનસ્વી છે, કારણ કે તે ₹11,000 થી લઈને ₹1,30,000 સુધીના ભાવના જંગી તફાવતને દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.

ટ્રેડ માર્જિન 30% સુધી સીમિત

તાજેતરમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપી હતી કે કેન્સરની દવાઓ માટે ‘ટ્રેડ માર્જિન’ હવે 30% સુધી સીમિત કરવામાં આવ્યું છે. આ 30% ની મર્યાદા દવાની ‘મેક્સિમમ રિટેલ પ્રાઈસ’ (MRP) પર લાગુ થશે, ‘પ્રાઈસ ટુ રિટેલર’ (PTR) પર નહીં.

સુનાવણી દરમિયાન કોર્ટે ચોંકાવનારું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, કીમોથેરાપીમાં વપરાતા જે ઇન્જેક્શનની મૂળ કિંમત ₹11,000 છે, તેને ખાનગી હોસ્પિટલો ₹1.10 લાખથી લઈને ₹1.30 લાખ સુધીમાં વેચે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યો કે ‘આવશ્યક દવાઓ’ (Essential Drugs) નક્કી કરવા માટે કયા માપદંડો અપનાવવામાં આવે છે.

દવાઓ અને મેડિકલ સાધનોના ભાવમાં આટલો મોટો તફાવત કેમ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે ખાનગી હોસ્પિટલોમાં દવાઓ અને તબીબી ઉપકરણોના ભાવોમાં આટલો મોટો તફાવત શા માટે રાખવામાં આવે છે અને તેની પાછળનો તર્ક શું છે? અગાઉ સરકારે પણ પોતાના સોગંદનામામાં કિંમતોના આ વિશાળ અંતરનો સ્વીકાર કર્યો હતો.

અંતે તો દર્દી પર જ બોજ પડે છે:

સુપ્રીમ કોર્ટસુપ્રીમ કોર્ટે નોંધ્યું કે 90% દવાઓ ‘ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર’ (DPCO) ના દાયરામાંથી બહાર છે. કિંમતોમાં આટલો મોટો તફાવત હોવા છતાં દવા કંપનીઓ પાસેથી ₹8,000 કરોડની વસૂલાત હજી પણ પેન્ડિંગ છે. અદાલતે જણાવ્યું કે સરકાર ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓ હેઠળ સારવાર ખર્ચ પૂરો પાડે છે, પરંતુ તેની મર્યાદા પણ ₹5 લાખ સુધીની જ છે. પરિણામે, દવાઓના આ આંધળા નફાખોરીનો સમગ્ર આર્થિક બોજ સામાન્ય દર્દી અને તેના પરિવાર પર જ આવી પડે છે.

Vitamin D: સપ્લિમેન્ટ લેતાં પહેલાં સમજી લો D2 અને D3 વચ્ચેનો તફાવત, હૃદય અને સ્નાયુઓ માટે કયું છે સૌથી ઉત્તમ?

Follow Us
Loading...
Unable to load recommendations.