
બ્લડ સુગર વધવું, જેને મેડિકલ ભાષામાં હાઇપરગ્લાયસેમિયા કહેવામાં આવે છે. તે સ્વાસ્થ્ય સંબંધિત એક મોટી સમસ્યા છે. આપણા શરીરમાં સ્વાદુપિંડ (પેનક્રિયાસ) ‘ઇન્સ્યુલિન’ નામનો હોર્મોન બનાવે છે, જે આહારમાંથી મળતા ગ્લુકોઝને કોષો સુધી પહોંચાડીને ઊર્જામાં ફેરવે છે.
શરીરમાં જ્યારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે અથવા કોષો ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, ત્યારે ગ્લુકોઝ લોહીમાં જમા થવા લાગે છે. આનાથી બ્લડ સુગરનું સ્તર વધી જાય છે. તેને નિયંત્રિત કરવા માટે લોકો વોક પણ કરે છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે, બ્લડ સુગરનું સ્તર ઘટાડવા માટે કેટલી વાર વોક કરવું જોઈએ?
બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં નિયમિત ફિઝિકલ એક્ટિવિટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને વોકિંગ સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ માનવામાં આવે છે, જેને મોટાભાગના લોકો પોતાની દિનચર્યામાં એડ (Add) કરી શકે છે. નિયમિતરૂપે ચાલવાથી શરીરના સ્નાયુઓ ગ્લુકોઝનો ઉપયોગ કરે છે, જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ મીડિયમ લેવલની ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવે છે. તેને દરરોજ લગભગ 30 મિનિટની ઝડપી ચાલ (બ્રિસ્ક વોક) ના રૂપમાં કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ માટે સતત 30 મિનિટ ચાલવું મુશ્કેલ હોય, તો તે તેને 10-10 મિનિટના નાના સેશનમાં પણ વહેંચી શકે છે.
ડાયાબિટીસ અથવા વધેલા બ્લડ સુગરવાળા લોકો માટે જમ્યા પછી થોડી વાર ટહેલવું પણ ફાયદાકારક થઈ શકે છે. ભોજન પછી 10 થી 15 મિનિટની હળવી થી મધ્યમ ગતિની વોક કરવાથી શરીરને ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં મદદ મળી શકે છે. જો કે, વોકનો સમયગાળો અને તેની તીવ્રતા વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય, વજન, ફિટનેસ અને બ્લડ સુગરના સ્તર અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.
Walk કરતી વખતે ખૂબ વધારે થાક, ચક્કર, નબળાઈ કે અસહજતા અનુભવાય તો તરત જ રોકાઈ જવું જોઈએ. ડાયાબિટીસની દવા કે ઇન્સ્યુલિન લેતા લોકોએ કસરત દરમિયાન બ્લડ સુગરમાં ખૂબ મોટા ઘટાડાના જોખમને ધ્યાનમાં રાખવું જોઈએ અને પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ એક્સરસાઇઝ રૂટિન બનાવવું જોઈએ.
એ પણ સમજવું જરૂરી છે કે, ફક્ત વોકિંગથી ડાયાબિટીસની સારવાર થતી નથી. સંતુલિત ખાનપાન, પૂરતી ઊંઘ, વજનનું વ્યવસ્થાપન, દવાનો યોગ્ય ઉપયોગ અને નિયમિત બ્લડ સુગર મોનિટરિંગ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. કોઈપણ વ્યક્તિએ પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અનુસાર ડૉક્ટરની સલાહ લઈને કસરતનો યોગ્ય સમયગાળો અને તીવ્રતા નક્કી કરવી જોઈએ.