Indigo Airlines crisis: મુસાફરોની મદદે આવ્યું ભારતીય રેલવે, પશ્ચિમ રેલવેએ વધારી સુવિધા, દોડાવી ખાસ ટ્રેન

ભારતીય રેલવેએ, ઈન્ડિગો એરલાઈન્સની ખોરવાઈ ગયેલ કામગીરીમાં હેરાન થઈ રહેલા મુસાફરોની મદદ આવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ દેશના મોટા શહેરોમાંથી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તો કેટલી ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો પણ નિર્ણય કર્યો છે.

Indigo Airlines crisis: મુસાફરોની મદદે આવ્યું ભારતીય રેલવે, પશ્ચિમ રેલવેએ વધારી સુવિધા, દોડાવી ખાસ ટ્રેન
| Edited By: | Updated on: Dec 06, 2025 | 1:40 PM

ભારતમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રદ થવા અને ડિલે થવાના કારણે, અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. દેશના વિભિન્ન એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળે છે. જ્યા ઈન્ડિગોના કાઉન્ટર પર મુસાફરોનો હોબાળો છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય વાત છે. આવા સંજોગોમાં ભારતીય રેલવે મુસાફરોની વ્હારે આવી છે. પશ્ચિમ રેલવે અમદાવાદથી દિલ્હી સુધીની ખાસ ટ્રેન દોડાવી રહી છે તો કેટલીક ટ્રેનમાં વધારાના કોચ લગાવી રહી છે.

ભારતીય રેલવેએ, ઈન્ડિગો એરલાઈન્સની ખોરવાઈ ગયેલ કામગીરીમાં હેરાન થઈ રહેલા મુસાફરોની મદદ આવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ દેશના મોટા શહેરોમાંથી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તો કેટલી ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો પણ નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે, પશ્ચિમ રેલવેએ પણ, અમદાવાદના સાબરમતીથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદના સાબરમતી સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ ટ્રેન ઓન ડિમાન્ડ (TOD)ના ધોરણે ચલાવવાનો નિર્ણય લીધો છે. મુસાફરોની માંગ અને સુવિધાને પહોંચી વળવા માટે ખાસ ભાડા પર આ ટ્રેન દોડાવાશે. ટ્રેન ઓન ડિમાન્ડના કુલ ચાર ફેરા રહેશે.

ટ્રેન નં. 09497-09498 સાબરમતી-દિલ્હી જંકશન સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રહેશે. ટ્રેન નં. 09497 સાબરમતી-દિલ્હી સ્પેશિયલ 7 અને 9 ડિસેમ્બર 2025 ના રોજ સાબરમતીથી રાત્રે 22.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરના 3.15 કલાકે દિલ્હી પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નં. 09498 દિલ્હી-સાબરમતી સ્પેશિયલ ટ્રેન, 8 અને 10 ડિસેમ્બર 2025 ના રોજ દિલ્હી જંકશનથી રાત્રે 21 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરના 12.20 વાગ્યે અમદાવાદના સાબરમતી જંકશને પહોંચશે.

વિશેષ ટ્રેન 09497-09498, સાબરમતીથી દિલ્હી જતા અને દિલ્હીથી સાબરમતી આવતા સમયે, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે.

વિશેષ ભાડા પર દોડનારી આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપશે, જેમાં મુસાફરીનો સમય આશરે 16:20 કલાક (સાબરમતી થી દિલ્હી જતા સમયે) અને 15:20 કલાક (દિલ્હીથી સાબરમતી આવતા સમયે) છે. આ વ્યવસ્થા ઈન્ડિગોની ફ્લાઇટ રદ થવાના કિસ્સામાં મુસાફરોને વિશ્વસનીય અને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડે છે અને રજાઓ દરમિયાન વધારાની ક્ષમતા સુનિશ્ચિત કરે છે. ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 06 ડિસેમ્બર 2025 થી કરી શકાશે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેએ હાલમાં કેટલીક ટ્રેનમાં વધારાના કોચ લગાવીને ઈન્ડિગો ફ્લાઈટના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને જવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. મુસાફરોની સુવિધા અને વધેલા ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ 6 ડિસેમ્બર, 2025 ના રોજ નીચેની ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લીધો છે:

  •  ટ્રેન નં. 19409 અમદાવાદ – થાવે જંકશન એક્સપ્રેસમાં એક એસી થર્ડ ટાયર (3A) કોચ અને એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.
  • ટ્રેન નં. 12957 અમદાવાદ – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસમાં એક એસી સેકન્ડ ટાયર (2A) કોચ ઉમેરવામાં આવશે.
  • ટ્રેન નં. 19223 સાબરમતી – જમ્મુ તાવી એક્સપ્રેસમાં એક સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો