
ખેડા જિલ્લાના નડિયાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરમાં પડેલા પ્રથમ વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનતાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે.
સ્થિતિ એટલી હદે વણસી છે કે, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈના ઘર તરફ જવાના રસ્તા (વિકેવી રોડ) પર જ બે ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. આ દ્રશ્યો જોયા બાદ હવે સ્થાનિકોમાં સવાલો ઊઠી રહ્યા છે કે, જો જનપ્રતિનિધિઓના ઘરના રસ્તાઓની જ આ સ્થિતિ હોય, તો સામાન્ય જનતાની હાલત કેવી હશે?
શહેરના રબારીવાડ વિસ્તારમાં સૌથી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે, આ વિસ્તારમાં અગ્રણી હોસ્પિટલો અને એક્સ-રે સેન્ટરો આવેલા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે હોસ્પિટલે આવતા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફ ભારે મુશ્કેલીમાં મૂકાયો છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, કાંસની સફાઈ અને ડ્રેનેજ લાઈનની નબળી કામગીરીના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. વર્ષોથી આ સ્થિતિ હોવા છતાં તંત્ર તદ્દન બેધ્યાન રહ્યું છે. હવે જનતા સવાલ પૂછી રહી છે કે, દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે વપરાતા લાખો-કરોડો રૂપિયા આખરે જાય છે ક્યાં? શા માટે પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર અને કાયમી વ્યવસ્થા કરવામાં આવતી નથી?