વાવ-થરાદના ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રાહિમામ, 40 થી વધુ ખેડૂતોના અસ્તિત્વ સામે સવાલ
વાવ-થરાદના લેડાઉ અને ભાચર ગામના 40થી વધુ ખેડૂતો એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણીથી ત્રસ્ત છે. ગત ચોમાસાથી ભરાયેલા પાણીથી ખેતી સંપૂર્ણ બંધ છે, જેના કારણે આર્થિક સંકટ સર્જાયું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે સવાલ ઉભા થયા છે.

વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લેડાઉ અને ભાચર ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા હવે તેમના અસ્તિત્વનો સવાલ બની ગઈ છે. આપ જાણીને કદાચ ચોંકી જશો કે આ બે ગામના ખેડૂતોના ખેતરમાં આ સિઝનના વરસાદનું નહીં પરંતુ ગત વર્ષે ચોમાસામાં ભરાયેલુ પાણી એક વર્ષ બાદ હજુ યથાવત્ છે. જેના કારણે 40 થી વધુ ખેડૂતોની જમીનને મોટો ફટકો પડ્યો છે. પાણી ભરાયા બાદ બીજુ ચોમાસુ પણ આવીને પસાર થઈ ગયુ અને એક વર્ષથી ખેતરોમાં ભરાયેલા પાણી હજુ ઓસર્યા નથી, ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી. ત્યારે સવાલ એ છે કે ખેડૂતોએ વારંવાર તંત્રને પાણી અંગે રજૂઆત કરવા છતા કેમ પાણીનો નિકાલ થયો નથી.
બનાસકાંઠામાંથી અલગ થઈ વાવ થરાદ જિલ્લો બન્યો એ વાતને પણ એક વર્ષ પૂર્ણ થઈ ગયુ છે ત્યારે નવા જિલ્લાનું તંત્ર પણ પાણીનો નિકાલ કરવામાં અને ખેડૂતો ની સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે. અંદાજિત 40 થી વધુ ખેડૂતો છેલ્લા એક વર્ષથી ખેતી કરી શક્યા નથી.
ગામની સીમમાં આવેલા ખેતરો પર નજર કરીએ તો ખેડૂતોની મુશ્કેલી નરી આંખે દેખાય છે. ખેડૂતોનુ કહેવુ છે કે ગત વર્ષે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. પરિણામે જમીનનો એક મોટો હિસ્સો ખેતીલાયક રહ્યો નથી. સતત ત્રણ સિઝનથી ખેડૂતો પાક લઈ શક્યા નથી. ખેતી ન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. પાક ધિરાણ, વીજળી બિલ, બાળકોના અભ્યાસ, અને ઘર ખર્ચને કેમ પહોંચી વળવુ તે મોટો સવાલ છે.
બીજી તરફ ખેતરોમાં છેલ્લા એક વર્ષથી ભરાયેલા પાણીએ કાદવનું સ્વરૂપ લઈ લેતા અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે આરોગ્યની ચિંતા પણ વધી છે. ખેડૂતોનુ કહેવુ છે કે પાણીનો નિકાલ કરવા માટે લાખોવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર તેમની વાત સાંભળી નથી રહ્યુ.
હાલ નવા જિલ્લાના સત્તાધિશો પાસે પણ ખેડૂતોની એક જ માગ છે કે તેમને આશ્વાસન નહીં સમસ્યાનો નિકાલ જોઈએ છે. કાગળ પરની કાર્યવાહી નહીં પરંતુ તેમની જમીન પરથી પાણીનો નિકાલ જોઈએ છે. ત્યારે ખેડૂતોની વેદના તંત્ર સુધી ક્યારે પહોંચે અને ખેડૂતોના ખેતરો ક્યારે ખાલી થાય છે તે જોવુ રહ્યુ.
Input Credit- Dinesh Thakot- Vav-Tharad