
વલસાડ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકા માટે ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ જિલ્લામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બની ગઈ છે.
વલસાડ જિલ્લા પંચાયત માટે કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે વલસાડ તાલુકા પંચાયત હેઠળ ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વલસાડ-નાનાપોંડા વિસ્તારો માટે પણ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે.
ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોના નામો પણ જાહેર થતા સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચાઓ જોર પકડી રહી છે.
બીજી તરફ, વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે કુલ 52 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેનાથી ચૂંટણીનું ગણિત વધુ રસપ્રદ બન્યું છે.
આ વખતની ઉમેદવારી પ્રક્રિયામાં અનેક જૂના અને અનુભવી નેતાઓના નામ કાપવામાં આવ્યા છે, જ્યારે મોટા પ્રમાણમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અગાઉ ચૂંટાયેલા ઘણા ઉમેદવારોને ફરી તક ન આપતા પાર્ટીની અંદર અસંતોષ પણ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા સ્તરે સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, 60 વર્ષથી વધુ વયના ઉમેદવારો માટે નક્કી કરાયેલા માપદંડનું પણ કડકપણે પાલન કરવામાં આવ્યું છે.
આ તમામ નિર્ણયોને કારણે ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં તેની અસર ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે.
(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત)
અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો, જાણવા માટે અહીં ક્લિક કરો..
Published On - 4:32 pm, Fri, 10 April 26