Valsad જિલ્લાના પારડી તાલુકાના દરિયાકિનારે આવેલા ઉમરસાડી ગામમાં (Umarsadi village)ગામના દરિયાકિનારે (beach) રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા રાજ્યમાં સૌ-પ્રથમવાર અતિઆધુનિક ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર (Floating jetty and fish landing center) બનાવવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉમરસાડી ગામ રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇનું ગામ છે. આથી આજે આ કામના આરંભ વખતે રાજ્યના ત્રણ-ત્રણ મંત્રીઓ અને રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગ સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરસાડી ગામના દરિયાકિનારે રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્યના આદિજાતિ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના નર્મદા કલ્પસર અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આમ રાજ્યના ત્રણ ત્રણ મંત્રીઓની હાજરીમાં ઉમરસાડી ગામના દરિયાકિનારે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર નિર્માણ થવા જઇ રહ્યું છે. અત્યાર સુધી આ ગામમાં દરિયા કિનારે વર્ષો પહેલા બનેલી જેટી ખુબ જ જર્જરિત થઈ જતા તેનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. આથી હવે રૂપિયા 24 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર મત્સ્ય ઉતરણ કેન્દ્ર અને ફ્લોટિંગ જેટી તૈયાર થયા બાદ આ વિસ્તારના નાના-મોટા હજારો માછીમારોને તેનો ફાયદો થશે.
સાથે જ વર્ષોથી જે આ વિસ્તારના માછીમારોની માંગ હતી. તે આખરે પૂરી થઈ ગઈ છે. આથી માછીમારોમાં પણ ઉત્સાહનો માહોલ છે.આજે ઉમરસાડી ગામના દરિયાકિનારે શરૂ થયેલ આ કામના આરંભે વખતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને માછીમારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં 108 જગ્યાએ અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે.અત્યાર સુધી રાજ્યનું મત્સ્યોદ્યોગ વિભાગ અન્ય એજન્સીની મદદથી આ પ્રકારની જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર બનાવતું હતું.
જોકે આ વખતે સૌ પ્રથમ વખત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગ સ્વતંત્ર રીતે હવે અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ જેટીનું નિર્માણ કરવા જઇ રહ્યું છે.ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે શરૂ થનાર આ જેટી ગણતરીના મહિનામાં જ તૈયાર થઈ અને તેને લોકસેવામાં મુકવામાં આવશે તેવું રાજ્ય મત્સ્ય ઉદ્યોગ વિભાગના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : નવસારી : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલની જમીન છેતરપીંડી કેસમાં ધરપકડ
આ પણ વાંચો : રાજકોટમાં છેડતીના મુદ્દે થઇ હત્યા, પાડોશીએ કરી પાડોશીની હત્યા