કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) દાદરાનગર હવેલી (Dadaranagar Haveli)ના નરોલીમાં નદીમાં કુદી ગયેલી યુવતીનો જીવ એક સાહસવીર યુવકે બચાવી લીધો છે. મોટી સંખ્યામાં લોકો યુવતીને નદીમાં કુદેલી જોઈને દોડી આવ્યા હતા, ત્યાં આ યુવકે લોકોની મદદ લઈને તાત્કાલિક નદીમાં કુદીને રેસ્ક્યૂ (Rescue) શરુ કર્યુ હતુ અને યુવતીને બચાવી લીધી હતી. હાલમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના નરોલીમાંથી પસાર થતી દમણગંગા નદીમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવતા દોડધામ થઈ ગઈ હતી. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતા લોકોએ યુવતીને નદીમાં જોતા લોકો રોકાઈ ગયા હતા. પાણીમાં પડ્યા બાદ તરફડિયા મારતી આ યુવતીને જોવા માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. નદીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી આ યુવતીને બચાવવા માટે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ શરૂ કર્યુ હતુ.
અન્ય લોકોની મદદથી એક યુવક નદીમાં દોરડું બાંધીને કુદી ગયો હતો અને યુવતી સુધી પહોંચ્યો હતો. પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે એકલા યુવકે યુવતીને બચાવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે યુવતીને બચાવવાની સાથે સાથે પાણીનો પણ સામનો કરી રહેલા આ યુવકે લગભગ બે કલાક સુધી જહેમત ઉઠાવી હતી અને આખરે યુવતીને પકડી જેમતેમ કિનારા સુધી પહોંચાડી હતી.
બાહોશ યુવકે તાત્કાલિક નદીમાં કૂદી જતા સમયસર યુવતીને બચાવવું શક્ય બન્યું હતું. જોકે ચોંકાવનારી વાત એ છે કે લગભગ દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન સરકારી વિભાગના એક પણ અધિકારી કે કર્મચારી સ્થળ ઉપર પહોંચ્યા ન હતા. એટલે કે જો આ યુવકે યુવતીને બચાવવા માટે પહેલ કરી ન હોત તો યુવતીને બચાવવી અશક્ય હતી.
નદીમાંથી યુવતીને બહાર કાઢયા બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે આ યુવતી કોણ છે? ક્યાંથી આવી છે? શા માટે તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો? એ મામલે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે યુવતીની સારવાર બાદ તેના નિવેદનમાં આ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો- Mehsana: ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, આવક સામે જાવક ઓછી હોવાથી ભાવ ઘટ્યા
આ પણ વાંચો- Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી