Vadodara: વડોદરાના વોર્ડ નમ્બર 11ના ભાજપ ના કાર્યકર સચિન ઠક્કરની હત્યાનો કેસ દિન પ્રતિદિન વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. વડોદરાના લોહાણા સમાજના આગેવાનો એ વિધાનસભા ના દંડકની આગેવાની હેઠળ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ને રજુઆત કરી આરોપીઓને કડક સજા કરવા માંગ કરી હતી. સાંજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય આરોપીઓને સાથે રાખી ગંગોત્રી એપર્ટમેન્ટ નજીક પહોંચી હતી. જ્યાં સચિન અને તેના પિતરાઈ ભાઈ પ્રીતેશ ઠક્કરને બેરહેમી પૂર્વક મરણતોલ માર મારવામાં આવ્યો હતો.
સચિન ઠક્કર હત્યા કેસની તપાસ તત્કાલીન પોલીસ કમિશ્નર શામશેર સિંઘ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. રિમાન્ડ પર રહેલા ત્રણેય આરોપીઓનો કબજો મેળવ્યા બાદ સમગ્ર બનાવની સાથે સંકળાયેલ મુદ્દાઓ અંગે ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગઈ કાલે મુખ્ય સૂત્રધાર પાર્થ પરીખ ના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી, સાથેજ રેસ્ટોરન્ટ ના એક કર્મચારી કે જેને આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસનો દૌર સતત જારી હોવા છતાં સચિન ઠક્કરના સમાજના કેટલાક આગેવાનોને લાગે છે કે આરોપીઓ બચી જાય તેવું પોલીસ કરી શકે છે અને એટલેજ ઠક્કર સમાજના આગેવાનો દ્વારા જાગૃતિ પૂર્વક મિટિંગો અને રજૂઆતોનો દૌર સતત જારી રાખી તપાસ એજન્સી પર પ્રેશર વધારવાનું ચાલુ રાખ્યું છે.
આજ રીતે લોહાણા સમાજના આગેવાનોએ વિધાનસભામાં ભાજપના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલુ શુક્લની આગેવાની હેઠળ આજે ગાંધીનગર ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે માંગ કરી હતી. દંડક બાલુ શુક્લ ઉપરાંત વડોદરાના બે ધારાસભ્યો કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, કોર્પોરેશનમાં દંડક ચિરાગ બારોટ પણ ડેલીગેશનમાં સામેલ હતા
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓને કડકમાં કડક સજા થશે, ભાજપના કાર્યકર્તા સહિત ગુજરાતના કોઈ પણ નાગરિક સાથે આ પ્રકારની ઘટના દુઃખદ છે. આવી ઘટના કદાપી સાંખી ના લેવાય. સચિન તમારા સમાજનો દીકરો છે એજ રીતે અમારો પણ દીકરો છે. અમારા પક્ષનો કાર્યકર હતો આરોપીઓને કડકમાં કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી માટે વડોદરા પોલીસને અમે સૂચના આપેલી છે. પોલીસ કડક સ્ટેન્ડ લેશે. આ કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજુઆત થઈ તેના અમુક કલાકો પછી તુરંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુખ્ય સૂત્રધાર પાર્થ સહિત ત્રણેય આરોપીઓને લઈ ઘટના સ્થળ પહોંચી હતી જ્યાં સચિન ઠક્કરને માર મારવામાં આવ્યો હતો. લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ત્રણેય આરોપીઓ ને જ્યારે અહીં લાવવામાં આવ્યા ત્યારે આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળાં મોટી સંખ્યામાં જામ્યા હતા.
આરોપીઓએ મારામારીમાં ઉપયોગમાં લીધેલ લાઠી ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી ઘટના સ્થળ નજીક આરોપીઓ દ્વારા છુપાવી રાખવામાં આવેલી લાઠી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કરી હતી. જે લાઠી દ્વારા સચિન અને પ્રિતેશને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. અંદાજે 45 મિનિટ સુધી ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી acp એચ પી રાઠોડ, પી આઈ મહાદેવ ચૌધરી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળેજ ત્રણેય આરોપીઓ સાથે રાખી તેઓ પાસેથી વિગતવાર સમગ્ર ઘટનાક્રમ જાણ્યો હતો.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામાં દ્વારા રાત્રે ક્રાઇમ બ્રાન્ચ ના સિનિયર અધિકારીઓ અને કેસની તપાસ સાથે જોડાયેલા અધિકારીઓ સાથે ઇમરજન્સી બેઠક કરી હતી. અને સચિન ઠક્કર હત્યા કેસની અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરી હતી. આ કેસ સાથે સંકળાયેલ જુદા જુદા પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને ઝીણામાં ઝીણા પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને કડક સજા કરાવી શકાય તેવી મજબૂત ચાર્જ શીટ માટેની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:14 am, Wed, 2 August 23