Vadodara : રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો (Baba Bageshwar) દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન અને ગૃહરાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ઝોન 2 અને 3ના DCPએ નવલખી ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. પોલીસની ટીમ દ્વારા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળે આવવાના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થાને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ VVIP મહાનુભાવો તેમજ દરબારમાં ઉપસ્થિત રહેનારા લોકો માટે સુવિધાઓની ચકાસણી પણ કરવામાં આવી હતી.
વડોદરામાં બાબા બાગેશ્વરના (Baba Bageshwar) દિવ્ય દરબારને લઇ પાસ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. દિવ્ય દરબારના પાસ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઇકાલ સવારથી જ લોકો પાસ લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા. હાલ અશક્ત, વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને પાસ આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને કાર્યક્રમ સમયે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. મહત્વનું છે કે, અત્યાર સુધી 20 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલું જ નહિં બાબાના દિવ્ય દર્શન કરવા માટે ખાસ ઉત્તર પ્રદેશથી પણ ભક્તો વડોદરા આવ્યા છે અને તેમણે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:09 am, Sat, 3 June 23