વડોદરામાં ચોમાસા પહેલાની તૈયારીઓની કામગીરી સમીક્ષા કરવા ધારાસભા હોલ ખાતે કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ચોમાસામાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને કુદરતી આફતના સમયે પહોંચી વળાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Vadodara: સફાઇકર્મીને 16 કરોડની નોટિસથી પરિવાર મૂકાયો ચિંતામાં, સફાઇકર્મી હવે કાયદાની શરણે
કલેક્ટર અતુલ ગોરે વર્ષાઋતુ પૂર્વતૈયારીઓ માટે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે આ ચોમાસામાં વરસાદ કે પૂરના કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર આપ્યો હતો. તેમજ જિલ્લામાં આવેલી તમામ કાંસ, નાળા, નહેરો અને તળાવોની સફાઈની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું.
(Aapda Mitra) આપદા મિત્રોને યોગ્ય તાલીમ આપી તેના ઓળખકાર્ડ બનાવવા ઉપરાંત રેસ્ક્યુ ટીમો તૈયાર કરવી, પૂરના કારણે સ્થળાંતર થયેલા હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત કલેક્ટરએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાં પણ સૂચના આપી હતી. જી.ઇ.બી. દ્વારા વીજ પુરવઠો જાળવી રાખવાં, વાવાઝોડાના કારણે પડી ગયેલા ઇલેક્ટ્રીક થાંભલા ઉભાં કરવાં તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની પૂર્વ સઘન તૈયારીઓ રાખવા જણાવ્યું હતું.
મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીઓને ચોમાસામાં વધુ વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં જે.સી.બી. મશીન, બુલડોઝર, જનરેટર, પાણીના ટેન્કર, એમ્બ્યુલન્સ, બચાવ કીટ તેમજ શ્રમિકો તૈયાર રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રાંત અધિકારીઓને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાતી શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ કલેક્ટર ગોરે જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ઉપરાંત સિંચાઈ વિભાગ, માર્ગ-મકાન વિભાગ, પોલીસ તંત્ર, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, વન વિભાગ, એન.ડી.આર.એફ, ફાયર, આરોગ્ય વિભાગ, એન.એચ.એ.આઈ. ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…