અંતે 27 દિવસ બાદ રાહતનો શ્વાસ.. આખરે ટેન્કર નીચે આવશે. છેલ્લા 27 દિવસથી આ ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકેલુ હતુ. 9 જૂલાઈએ ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ આ ટેન્કર ચમત્કારિક રીતે તૂટેલા એક સ્પાન પર લટકી રહ્યુ હતુ. છેલ્લા 27 દિવસથી તંત્ર દ્વારા તેને ઉતારવાના પ્રયાસ થઈ રહ્યા હતા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા હતા. જે બાદ ટેન્કરને ઉતારવા માટે ઍર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા 27 દિવસથી ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને બ્રિજની સમાંતર લાવવામાં તંત્રને સફળતા મળી છે. આ કામગીરીની જવાબદારી પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને સોંપાઈ હતી. આ કંપનીએ ‘મરીન એર બલુન ટેક્નોલોજી’નો ઉપયોગ કરીને ટેન્કરને બ્રિજની સમાંતર કર્યું છે. આ કામગીરીમાં સિંગાપોરના ત્રણ એન્જિનિયર અને મરીન ઈમરજન્સી ટીમ જોડાઇ હતી. ટેન્કરને બહાર કાઢવા માટે કેપ્સૂલ બલુનને ટેન્કરની નજીક લાવીને તેમાં કમ્પ્રેશરથી હવા ભરવામાં આવી.
તમામ સેફ્ટીના સાધનો અને ટેક્નિકલ સામાન સાથે ટેન્કરની પાછળની બાજુ લાંબા દોરડા બાંધવામાં આવ્યા. જેથી બલુનમાં હવા ભરાતા ટેન્કર સીધું થઇને બ્રિજના સમાંતર આવ્યું. ટેન્કર સીધું થતા જ તેની પાછળ બાંધેલા દોરડાથી ખેંચી લેવાની કામગીરી થશે. આ સમગ્ર કામગીરીનું 4 ડ્રોન મારફતે 900 મીટર દૂર કંટ્રોલ રૂમથી અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. આપને જણાવી દઈએ કે ઓપરેશન સમયે માનવ જીવન જોખમમાં ના મૂકાય અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી.
સૌપ્રથમ બલૂનમાં કમ્પ્રેસરથી હવા ભરીને ટેન્કરની નજીક લાવવામાં આવ્યા. તમામ સેફ્ટીના સાધનો અને ટેકનિકલ સામાન પણ લઈ જવાયો. ટેન્કરની પાછળની બાજુ લાંબા દોરડા પણ તૈયાર કરાયા અને અન્ય હવા ભર્યા વિનાના બલૂન પણ સ્પેર માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જે બાદ ટેન્કરને બલૂનની મદદથી ઉંચું કરાયું હતુ. જે બાદ પાછળથી ખેંચી બ્રિજના પાછળના સલામત છેડે લઈ જવામાં આવ્યુ હતુ. હવે પાછળથી ખેંચી બ્રિજની નીચે ઉતારવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 9 જુલાઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 21 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું આજે મોત થયુ છે. કુલ મળને મોતનો આંક 22 એ પહોચ્યો છે. આ પ્રકારે ટેન્કરને ઉતારવા માટે દેશમાં પહેલીવાર આ ઍર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published On - 7:17 pm, Tue, 5 August 25