Vadodara : ‘સપનાના ઘર’ માટે ધરમના ધક્કા ! મકાનો માટે ડ્રોનું આયોજન અચાનક રદ થતા લાભાર્થીઓમાં રોષનો માહોલ, જુઓ Video

વડોદરા મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગની બેજવાબદારીને કારણે આવાસ યોજનાના મકાનો માટે આયોજિત ડ્રો અચાનક રદ કરવામાં આવતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Vadodara : ‘સપનાના ઘર માટે ધરમના ધક્કા ! મકાનો માટે ડ્રોનું આયોજન અચાનક રદ થતા લાભાર્થીઓમાં રોષનો માહોલ, જુઓ Video
Vadodara
| Edited By: | Updated on: Dec 10, 2025 | 1:05 PM

વડોદરા મહાનગરપાલિકાના હાઉસિંગ વિભાગની બેજવાબદારીને કારણે આવાસ યોજનાના મકાનો માટે આયોજિત ડ્રો અચાનક રદ કરવામાં આવતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સયાજીનગર ગૃહ ખાતે યોજાનારા આ ડ્રોને છેલ્લી ઘડીએ રદ કરી દેવાતા, સેંકડો લાભાર્થીઓએ કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

લાભાર્થીઓના મતે, ડ્રો માટેનો નિર્ધારિત સમય અને તારીખ તેમને અગાઉથી જ મેસેજ દ્વારા જણાવવામાં આવ્યા હતા. પરિણામે, દૂર-દૂરથી લોકો પોતાના કામ-ધંધા પર રજા પાડીને, વહેલી સવારથી જ પોતાના ઘરના ઘરની આશા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ઘણી મહિલાઓ પોતાના નાના બાળકો સાથે પણ ડ્રોમાં ભાગ લેવા આવી હતી. જોકે, સ્થળ પર પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે ડ્રો રદ કરવામાં આવ્યો છે. આ ડ્રો રદ કરવા પાછળનું કારણ કે તેની કોઈ પૂર્વ સૂચના મેસેજ દ્વારા કે અન્ય કોઈ માધ્યમથી આપવામાં આવી ન હતી. પાલિકા દ્વારા માત્ર નોટિસ બોર્ડ પર એક સૂચના લગાવવામાં આવી હતી, જે ઘણા વૃદ્ધ લાભાર્થીઓ માટે વાંચવી અશક્ય હતી.

લાભાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ગઈકાલે રાત્રે 10 વાગ્યે ડ્રો હોવાનો મેસેજ મળ્યો હતો અને તેઓ સવારે 9 વાગ્યાથી જ સયાજીનગર ગૃહ ખાતે રાહ જોઈ રહ્યા હતા. આશરે 500 થી 1000 જેટલા લોકો આવ્યા હતા, જેમાંથી ઘણા તો જાણ થતા પાછા ફર્યા હતા. લોકોના નારા લગાવ્યા બાદ કોર્પોરેશનમાંથી એક વ્યક્તિ આવીને ડ્રો રદ થયો હોવાની મૌખિક જાણ કરી હતી, પરંતુ રદ કરવા સંબંધિત કોઈ સત્તાવાર મેસેજ કે જાણ કરવામાં આવી ન હતી.

લાભાર્થીઓએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે 2022માં ફોર્મ ભર્યા હતા અને 2024માં મકાનો મળવાનું નક્કી કરાયું હતું. જોકે, હજુ સુધી મકાનો પૂરા થયા નથી અને માત્ર “ખાલી ખોખા” જ તૈયાર છે. કેટલાક લાભાર્થીઓએ તો એમ પણ આક્ષેપ કર્યો કે હવે 2025નો અંત આવી ગયો હોવા છતાં તેમને ઘર મળ્યા નથી. આ સ્થિતિમાં ડ્રો રદ થતા તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. તેઓ કોર્પોરેશનના આયોજનના અભાવ અને હાઉસિંગ વિભાગની બેદરકારીને વખોડી રહ્યા છે. પાલિકાના અધિકારીઓએ આગામી 11મી તારીખે ડ્રો ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપી છે, પરંતુ આજનો ડ્રો રદ થવા અંગેની જાણકારીના અભાવે થયેલા વિરોધ પ્રદર્શન પર કોઈ સ્પષ્ટતા કરી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો