
વડોદરા જિલ્લાના ભાવપુરા વિસ્તારમાં દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. વીજપોલ અચાનક ધરાશાયી થતાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ ભાવપુરા વિસ્તારમાં હાઈટેન્શન લાઈન માટે કેબલો નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વીજપોલ અચાનક હલી ગયો હતો અને બાદમાં ધરાશાયી થયો હતો. પોલ પડતાં વીજ પ્રવાહની ઝપેટમાં આવતા અને ગંભીર રીતે દાઝી જતાં ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ આ કામગીરી પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ કરવામાં આવી રહી હતી. હાઈટેન્શન લાઈન માટે જરૂરી કેબલ નાખવાની પ્રક્રિયા દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના કારણે કામદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રોજગારી માટે તેઓ ગુજરાત આવ્યા હતા અને કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીમાં જોડાયેલા હતા. અકસ્માતના સમાચાર મળતા મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
વીજપોલ કેવી રીતે ધરાશાયી થયો અને કામગીરી દરમિયાન સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે હવે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો પણ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.
ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત પાછળની વાસ્તવિક હકીકત જાણવા માટે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ કામગીરીમાં કોઈ બેદરકારી રહી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ટેક્નિકલ તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો- Vadodara Breaking News: વડોદરાના ભાવપુરામાં ભયાનક દુર્ઘટના, વીજપોલ ધરાશાયી થતા 3ના મોત
Published On - 12:28 pm, Sat, 13 June 26