આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે
આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત (Gujarat) માં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે ત્યારે હજુ આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી (forecast) હવામાન વિભાગે (Department of Meteorology) કરી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી સાથે રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે. 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો હોવાથી નદીનાળા છલકાઈ રહ્યાં છે ત્યારે ફરી વરસાદની આગાહીને પગલે ચોકસાઈ વધારવામાં આવી છે. જળાશયોમાં પણ પાણીની પુષ્કળ આવકને પગલે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે લોકોને નદીના પટમાં અને વહેતા પાણીના વહેણની વચ્ચેથી અવર-જવર ન કરવા સલાહ આપવામાં આવી છે.
બીજી બાજુ કલાકોના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદે જોર પકડ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી ધરમપુરમાં 3.12 ઇંચ વરસાદ ખાબક્યો છે તો કપરાડામાં 2.08 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પારડીમાં 1.4 ઇંચ, વાપીમાં 1 ઇંચ અને વલસાડમાં 19 એમએમ અને ઉમરગામમાં 2 એમએમ વરસાદ નોંધાયો છે. મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા છે. ડેમમાં 28160 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમમાંથી 21484 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જીલ્લામાં આજે પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.