ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓને યુપીમાં યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ની નવી સરકારમાં કેબિનેટ (Uttar Pradesh Cabinet) માં સ્થાન મળ્યું છે. આ બે ભૂતપૂર્વ અધિકારીઓમાં એ.કે. શર્મા અને અસીમ અરુણનો સમાવેશ થાય છે. ગુજરાત કેડરના ભૂતપૂર્વ IAS અધિકારી અરવિંદકુમાર શર્માને કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અસીમ અરુણને સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. એ.કે. શર્મા કેન્દ્રમા મોદી સરકારમાં દિલ્હીમાં ડેપ્યુટેશનમાં હતા અને પીએમ મોદી (PM Modi) ના ખુબ નજીકના ગણાતા હતા. જ્યારે અસીમ અરૂણ કાનપુર પોલીસના કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. આ બંને અધિકારીઓ સ્વૈચ્છિક નિવૃત્તી લઈને રાજકારણમાં જોડાયા છે. રાજ્ય સરકારની રોજબરોજની કામગીરીમાં તેઓ કેવા સકારાત્મક ફેરફારો લાવી શકે છે તે બતાવવા માટે બંનેને ખુલ્લું મેદાન મળ્યું છે. આ ઉપરાંત સરોજિનીનગરના ધારાસભ્ય અને EDના ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશક રાજેશ્વર સિંહનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચા હતા પણ છેલ્લી ઘડીએ તેનું નામ કપાઈ ગયું છે.
એ.કે. શર્મા ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય અને તે પછી વડા પ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસપાત્ર હતા અને તેઓ કેન્દ્ર સરકારમાં MSME વિભાગના સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. હવે તેઓ યોગી સરકારમાં મોટી ભૂમિકા નિભાવવાના છે. એ.કે. શર્મા જ્યારે ગુજરાતમાં હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવાનો તેમનો અનુભવ અને વિદેશી રોકાણકારો સાથેના જોડાણો હવે યોગી સરકારને રાજ્યની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ કરી શકે છે. શર્માએ તેમની વાસ્તવિક નિવૃત્તિની તારીખના 18 મહિના પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી અને ભાજપ સાથે જોડાયા હતા.
યોગી કેબિનેટમાં જોડાનાર યુપીના ખુબ જ જાણિતા IPS અધિકારી અસીમ અરૂણ ચૂંટણી પહેલા જાન્યુઆરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેઈ ભાજપમાં જોડાયા હતા. ભાજમાં જોડાતા પહેલા કાનપુર પોલીસના કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ સપાના ગઢમાં ત્રણ વખત કન્નૌજ શહેરના ધારાસભ્ય અનિલ કુમાર દોહરેને 6,000થી વધુ મતોથી હરાવવામાં સફળ રહ્યા. બીજેપી નેતૃત્વએ તેમને મંત્રીપદનું ઇનામ આપ્યું છે અને તે પણ સ્વતંત્ર હવાલો સાથે. ટેક-સેવી વ્યક્તિ, અસીમ તેના મતવિસ્તારના સુધારણા માટે રોડમેપ તૈયાર કરવા જઈ રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે “આ ઉપરાંત સમગ્ર રાજ્ય પ્રત્યે મારી જવાબદારી છે અને હું તેને એક તક તરીકે લઈશ.”
યોગીના ધારાસભ્યોમાં EDના ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશક રાજેશ્વર સિંહ પણ ભાજપના ઉમેદવાર તરીકે સરોજિનીનગરથી ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. તેમનુ નામ પણ મંત્રીમંડળના સંભવિત સભ્યોમાં હતા પણ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી.
Published On - 2:47 pm, Sat, 26 March 22