ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ, મધ્ય ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ, મધ્ય ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસ્યો
| Updated on: Aug 12, 2026 | 12:29 PM

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમાકેદાર રીતે શરૂ થયો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

પંચમહાલના શહેરામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવનને અસર થઈ છે. બીજી તરફ, પાનમ જળાશયમાં ભારે વરસાદના પગલે 14,358 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે.

મહીસાગરના કોઠંબામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અહીં 5.24 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કોઠંબામાં ભારે વરસાદને પગલે કેડસમા પાણી ભરાયા હતા. દરમિયાન સુવા ગામે દવા લેવા આવેલા આશરે 100 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદના પગલે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મહીસાગરના લુણાવાડામાં પણ 2.72 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બાલાસિનોરમાં 2.52 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત તાપીના નિઝરમાં 3.39 ઈંચ અને કુકરમંડામાં 2.68 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 2.48 ઈંચ, જ્યારે વલસાડના ઉમરગામમાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 119 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 28 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 9 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ક્યાં કેટલો વરસાદ?

  • શહેરા, પંચમહાલ: 5.43 ઈંચ
  • કોઠંબા, મહીસાગર: 5.24 ઈંચ
  • નિઝર, તાપી: 3.39 ઈંચ
  • લુણાવાડા, મહીસાગર: 2.72 ઈંચ
  • કુકરમંડા, તાપી: 2.68 ઈંચ
  • બાલાસિનોર, મહીસાગર: 2.52 ઈંચ
  • નાંદોદ, નર્મદા: 2.48 ઈંચ
  • ઉમરગામ, વલસાડ: 2.05 ઈંચ

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત સાથે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ગુજરાતમાં ફરી મેઘમહેર! 94 તાલુકામાં ધોધમાર વરસાદ, શહેરામાં સૌથી વધુ 5.35 ઇંચ અને કોઠંબામાં 5.16 ઇંચ ખાબક્યો – જુઓ Video

Published On - 12:22 pm, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.