Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

|

Nov 05, 2021 | 8:41 PM

યોગ ક્ષેત્રે તેની કુશળતાને જોઈ કેન્દ્રના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે નેશનલ ડિસેબલ એવોર્ડ માટે અન્વીની પસંદગી કરી છે. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે.

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આજે વાત કરવી છે મક્કમ મન ધરાવતી સુરતની અન્વી નામની છોકરીની. જે માનસિક અને શારીરિક દિવ્યાંગ છે, પણ તેની મહાત્વાકાંક્ષા યશસ્વી છે. યોગ ક્ષેત્રે તેણે એવું નામ બનાવ્યું છે કે આજે રાષ્ટ્રીય કક્ષાએ તેની નોંધ લેવાઈ રહી છે. અન્વીએ કેન્દ્રના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ એવોર્ડ આપવા મજબૂર કરી દીધો છે. કોણ છે સુરતની આ રબર ગર્લ, જુઓ આ વીડીયો.

નાનકડી અન્વી છેલ્લા 3 વર્ષથી કોચ નમ્રતા વર્મી પાસે શાળામાં જ યોગ શીખે છે. તેને જન્મજાત અનેક પ્રકારની માનસિક અને શારીરિક બીમારીઓ છે. જેનો કોઈ ઈલાજ નથી. ભલે તે દિવ્યાંગ હોય પણ તેની સિદ્ધિઓ આકાશને આંબે તેવી છે. અન્વીએ અનેક જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાએ યોગ સ્પર્ધામાં ભાગ લીધો છે અને તેમાં વિજેતા થઇ છે. તેનો પરિવાર પણ અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરીને અન્વીની સફળતામાં ભાગીદાર બની રહ્યો છે.

યોગના જુદા-જુદા આસનો કરીને મંત્રમુગ્ધ કરી દેતી આ છે સુરતની અન્વી ઝાંઝરૂકિયા. માનસિક અને શારીરિક દિવ્યાંગ અન્વીની યોગ શક્તિ એવી છે કે તે કોઈપણ આસન આસાનીથી કરી જાણે છે. અન્વી સંસ્કાર કુંજ જ્ઞાનપીઠમાં અભ્યાસ કરે છે. યોગ ક્ષેત્રે તેની કુશળતાને જોઈ કેન્દ્રના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટે નેશનલ ડિસેબલ એવોર્ડ માટે અન્વીની પસંદગી કરી છે. જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છે.

અન્વીને આગામી 1થી 5 ડિસેમ્બરની વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ મળવાનો છે. જેને લઈ પરિવારમાં ખૂબ જ ઉત્સાહ છે. અન્વીની દિવ્ય શક્તિએ પરિવારમાં ખુશીઓની જ્યોત પ્રજ્વલિત કરી છે.

 

આ પણ વાંચો :  અમદાવાદના જાસપુરમાં 1000 કરોડના ખર્ચે બનશે મા ઉમિયાનું ભવ્ય મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે

Published On - 8:38 pm, Fri, 5 November 21

Next Video