મુખ્યમંત્રી નર્મદા પહોંચ્યા, ભારે વરસાદથી સર્જાયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું
છોટાઉદેપુરના બડેલી ખાતે તેમણે પુરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ બોડેલીના અસરગ્રસ્ત વિસ્તાર દીવાન ફળિયામાં લોકો સાથે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નર્મદા (Narmada) પહોંચ્યા છે. તેમણે ભારે વરસાદથી સર્જાયેલી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ હોલિકોપ્ટરની મદદથી નર્મદા અને છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાની મુલકાત લીધી હતી અને તેમણે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત અસરગ્રસ્તોને મુલાકાત લીધી હતી. છોટાઉદેપુરના બડેલી ખાતે તેમણે પુરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ બોડેલીના અસરગ્રસ્ત વિસ્તાર દીવાન ફળિયામાં લોકો સાથે ચર્ચા કરી હતી. જોકે રાહત કેમ્પમાં રહેલા અસરગ્રસ્તોને મળ્યા વિના નીકળી જતાં અસરગ્રસ્તો નારાજ થયા હતા. દરમિયાન તેમણે વિપક્ષના નેતા સુખરામ રાઠવા સાથે પણ મુલાકાત કરી હતી. સુખરામ રાઠવાએ લોકોને સહાય મળે તેવી રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામા આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી.
છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળા પહોંચ્યા હતા. જ્યાં સૌપ્રથમ અસરગ્રસ્ત વિસ્તારનું હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લીમડા ચોક વિસ્તારમાં 10 જેટલા અસરગ્રસ્તોને સહાય વિતરણ કરી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે જિલ્લામાં તમામ વહિવટી વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી હતી.