
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે, ત્યારે તાપી જિલ્લાના ખેડૂતો આશાભરી નજરે તેની રાહ જોઈ રહ્યા છે. તાપી જિલ્લામાં કમોસમી વરસાદે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરીને તેમને આર્થિક સહાય દ્વારા ફરીથી પગભર થવામાં મદદ કરે.
કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે, અને તાપી જિલ્લો પણ તેની અસરથી બાકાત નથી. તાપી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલી ભારે નુકસાનીનો સર્વે સરકારી આદેશથી ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરીમાં સ્થાનિક સ્તરે સરપંચ અને ગ્રામસેવકોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વ્યારા તાલુકાના ચીખલદા ગામની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, કમોસમી વરસાદ આવ્યા બાદ તરત જ સરપંચ દ્વારા ખેડૂતોને નુકસાન થયેલા ખેતરોના ફોટોગ્રાફ્સ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પાણી ભરાયેલા ખેતરોમાં સરપંચ પોતે દોડીને ખેડૂતોના નુકસાનનું નિરીક્ષણ કરી ફોટોગ્રાફ્સ લીધા હતા.
સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો ત્યારે ગ્રામસેવક અને સરપંચ દ્વારા ગામના આઠેક ફળિયામાં ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે તેઓને થયેલા નુકસાન વિશે માહિતી આપે. ખેડૂતોના ખેતર પર જઈને તેમના મોબાઈલ પર ફોટા પાડીને સર્વેની કામગીરી કરવામાં આવી. આ પ્રક્રિયામાં સરપંચ દિવસભર દોડીને તમામ ખેડૂતોને લાભ મળે તે રીતે કાર્ય કર્યું હતું.
ચિખલદા ગામના ખેડૂતોના મતે, આ વિસ્તારમાં 80 ટકા ખેડૂતો ડાંગરનો પાક લે છે, અને તેથી મોટાભાગનું નુકસાન ડાંગરમાં જ થયું છે. ડાંગરના પાકની સાથે સાથે પશુપાલન પણ ખેડૂતો સાથે સંકળાયેલું છે. કમોસમી વરસાદના કારણે ઘાસચારો પણ બગડી ગયો છે, જેનાથી પશુપાલકોની સ્થિતિ પણ અત્યંત કફોડી બની છે.
ખેડૂતોએ જણાવ્યું કે ડાંગરનો પાક તૈયાર કરવામાં દવા, બિયારણ, ખાતર અને ખેડાણ પાછળ મોટો ખર્ચ થાય છે, અને હાલમાં તેના ભાવ પણ વધેલા છે. તેથી, તેઓને થયેલી નુકસાનીના પ્રમાણમાં યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે કે, જે ખેડૂતને જેટલા ભાગમાં નુકસાન થયું છે તે મુજબ સરકાર રાહત આપે. તેમની મુખ્ય માંગ છે કે રાહત પેકેજ આ જ મહિનામાં મળી જાય તો સારું, જેથી તેઓ બીજો પાક લઈ શકે અને પોતાના પગ પર ફરીથી ઉભા રહી શકે. તાપીના ચીખલદા ગામના આ ખેડૂતોની માંગ છે કે, સરકાર ઝડપથી રાહત પેકેજ આપે અને સરકારી ધારા ધોરણોથી ઉપર જઈને વિશેષ રાહત પેકેજ જાહેર કરે જેથી તેઓ ફરીથી બેઠા થઈ શકે.