હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેર, વાલીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો, જુઓ Video

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 150થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ. ઉલટી અને ઝાડાની ફરિયાદ બાદ તેમને ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી.

હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેર, વાલીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો, જુઓ Video
| Updated on: Jul 17, 2026 | 8:27 PM

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સામૂહિક ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ભોજન લીધા બાદ 150થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી. ઉલટી અને ઝાડાની ફરિયાદ બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને તાત્કાલિક સારવાર માટે ચુડા, લીંબડી અને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. કુલ 215 વિદ્યાર્થીનીઓમાંથી 147 વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાંથી હાલ 25 જેટલી વિદ્યાર્થીનીઓ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. મામલતદાર, પોલીસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢ્યો હતો. આરોગ્ય વિભાગની વિશેષ ટીમો પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવી હતી, અને વધારાનો તબીબી સ્ટાફ પણ ખડેપગે રહ્યો હતો. ચુડાની સીએચસીમાં દર્દીઓની સંખ્યા વધતાં ખાટલા પણ ખૂટી પડ્યા હતા, અને ત્યાંથી વધુ સારવાર માટે વિદ્યાર્થીનીઓને લીંબડી અને સુરેન્દ્રનગર રિફર કરાઈ હતી.

ઘટના બાદ અનેક સવાલો ઉભા થયા છે. કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાલય દ્વારા તેમને તેમની દીકરીઓની તબિયત લથડવા અંગે સમયસર જાણ કરવામાં આવી નહોતી. એક વાલીએ જણાવ્યું કે તેમના ગામનો એક છોકરો નાસ્તો આપવા સ્કૂલે ગયો ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ. એક અસરગ્રસ્ત વિદ્યાર્થીનીએ તો હોસ્ટેલની ભોજન વ્યવસ્થા સામે જ ગંભીર આરોપો લગાવ્યા છે. તેણીએ જણાવ્યું કે હોસ્ટેલમાં સાંજે બનાવેલું ભોજન સવારે અને સવારે બનાવેલું ભોજન બપોર તથા રાત્રે પણ આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીનીઓને બીમારી થાય છે. વધુમાં, જો કોઈ વિદ્યાર્થીની ફરિયાદ કરે તો શિક્ષકો એલ.સી. આપી દેવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો, જે ભેદભાવ અને ડામણીની સ્થિતિ દર્શાવે છે.

સ્થાનિક રાજકીય અગ્રણીઓએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ અસરગ્રસ્ત દીકરીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે હાલ પ્રાથમિકતા દીકરીઓની સારવાર પર છે અને મોટાભાગની દીકરીઓની સ્થિતિ સ્થિર છે. તેમણે ખાતરી આપી હતી કે જો આ ઘટનામાં કોઈની ભૂલ કે બેદરકારી જણાશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ભોજનના નમૂના લઈ પુષ્ટિકરણ માટે મોકલી દેવાયા છે. સાંસદ ચંદુભાઈ શિહોરાએ પણ હોસ્પિટલની મુલાકાત લઈ સારવારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ પહોંચ્યા હતા.

આ ઘટના પાછળનું સંભવિત કારણ પૂછતા વોર્ડને જણાવ્યું હતું કે આગલા દિવસે બીજના ઉપવાસ હતા અને તે દિવસે ખીરની પ્રસાદી બનાવવામાં આવી હતી, જે જમ્યા બાદ આ ઘટના બની હોવાની શક્યતા છે. જોકે, ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલ તમામ વિદ્યાર્થીનીઓની સ્થિતિ સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં બેદરકારી બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી વહીવટીતંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

ડ્રોપઆઉટ દીકરી માટે ઘરે પહોંચ્યા રિવાબા જાડેજા, Watch Video

Follow Us