વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) હંમેશા નવીન પ્રયોગો (Experiment) કરવા માટે જાણીતી છે. સૌથી પહેલા હિન્દૂ (Hinduism) ધર્મના અભ્યાસક્રમ શરૂ કરવાની વાત હોય કે પછી ગરબાના અભ્યાસક્રમ શરૂ કરવાની પહેલ હોય. યુનિવર્સિટી દ્વારા હંમેશા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કંઈ નવું કરવામાં આવે છે અને આ વખતે ફરી એકવાર યુનિવર્સિટી દ્વારા એક નવો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે અને એ છે દીવાલ વગરનું શિક્ષણ. જી હા, હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થી જમીન પર બેઠા બેઠા તળાવના કિનારે શુદ્ધ ઓક્સિજન લેતા અભ્યાસ કરતા નજરે ચડશે.
પહેલાના સમયમાં પર્યાવરણની જાળવણી સાથે વિદ્યાર્થીઓને કુદરતી વાતાવરણમાં ભણાવવામાં આવતા હતા. જેને ગુરુકુળ આશ્રમ પદ્ધતિ કહેવાતી હતી. હવે આ પદ્ધતિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અપનાવી છે. યુનિવર્સિટી દ્વારા જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટની પાછળ પંદર એકર જમીન પર દિવાલ વિનાનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ એક એવા પ્રકારનો ક્લાસ છે, જેમાં કોઈ ઈંટની દિવાલ કે પછી સિમેન્ટ કોક્રિટની છત નથી પણ ફક્ત વૃક્ષો અને પક્ષીઓનો કલરવ જ છે. એટલું જ નહીં, આ ઓપન ક્લાસ પાસે મોટું તળાવ પણ છે. જેમાં ફૂવારા પણ મુકવામાં આવનાર છે.
અહીં શિક્ષકોથી માંડીને વિદ્યાર્થીઓ જમીન પર બેઠા બેઠા શુદ્ધ ઓક્સિજનમાં પાણીની અવાજ તેમજ પક્ષીઓના કલરવ વચ્ચે અભ્યાસ કરતા નજરે દેખાશે. શિક્ષકોને પણ ભણાવવા માટે બ્લેક બોર્ડ અને ચોક આપવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને જૂની સ્ટાઈલમાં પીવાના પાણી માટે લાલ માટલું અને સ્ટીલનો ગ્લાસ મૂકાશે. સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચિયાએ જણાવ્યું હતું કે કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને શુદ્ધ ઓક્સિજન મળશે. આવા વાતાવરણમાં અભ્યાસ કરવાથી તેમનું શરીર તંદુરસ્ત રહેશે. ખુલ્લામાં અભ્યાસ કરવાથી કુદરતી સાનિંધ્યનો ફાયદો પણ મળશે
અહીં યુનિવર્સિટીના ફાઈન આર્ટ્સ, ઈન્ટિરિયર ડિઝાઈન અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જે નવા નવા પ્રોજેક્ટ બનાવતા હોય છે એ પ્રોજેક્ટ પણ અહીં મુકવામાં આવશે. યુનિવર્સિટીમાં આવતા વિઝિટરો પણ અહીં મુક્તપણે ફરી શકશે. યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે અમે પહેલી જ વાર વિદ્યાર્થીઓ માટે દિવાલ વગરનું શિક્ષણ શરૂ કરી રહ્યા છે. આ એક નવો કોન્સેપ્ટ છે અને વિદ્યાર્થીઓ તેનો અનુભવ કરવા ખુબ ઉત્સુક દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : LIC IPO: 17 મેના રોજ LIC સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે, આગામી એક વર્ષ સુધી કોઈ હિસ્સો વેચવામાં આવશે નહીં
આ પણ વાંચો : આર્થિક સ્થિતિ પર RBIનો રિપોર્ટ, કોરોના મહામારીના નુકસાનમાંથી અર્થતંત્રને બહાર આવતા 12 વર્ષ લાગશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો