સુરતમાં ચોંકાવનારી ઘટના : મૃત માતાના વાળ પકડીને રડી રહ્યું હતું એક મહિનાનું બાળક

| Edited By: | Updated on: Nov 24, 2021 | 9:50 PM

બાળક જાણે એવું કહી રહ્યું હતું કે, મા મને તારી છાતી સરસી ચાંપી દે. મને મમતાની હૂંફ આપ પરંતુ માસૂમ બાળકને એ નહોતી ખબર કે, તેની માતા ચીર નિંદ્રામાં જતી રહી છે.

SURAT : સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માતાના મૃતદેહ પાસે એક માસૂમ બાળકને જોઈને પોલીસની આંખ પણ ભીની થઈ ગઈ હતી. સુરતમાં સચિન હોજીવાળા GIDCની આ ઘટના છે. અહીં લાકડાના કારખાના પાછળની ઓરડીમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો.ઓરડીમાં મૃતદેહ હોવાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, પોલીસની નજર સમક્ષ જે દ્રશ્યો હતા તે અત્યંત સંવેદનશીલ હતા. કારણ કે, મૃતદેહ પાસે આશરે એક મહિનાનું બાળક રડી રહ્યું હતું. બાળકના હાથમાં પોતાની માતાના મૃતદેહના વાળ હતા.

બાળક જાણે એવું કહી રહ્યું હતું કે, મા મને તારી છાતી સરસી ચાંપી દે. મને મમતાની હૂંફ આપ પરંતુ માસૂમ બાળકને એ નહોતી ખબર કે, તેની માતા ચીર નિંદ્રામાં જતી રહી છે. પોલીસે બાળકને માતાથી અલગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાળકે પોતાની માતાના વાળ છોડ્યા જ નહીં. આખરે મજબૂર થઈને પોલીસને મૃતદેહના વાળ કાપવા પડ્યા અને બાળકને અલગ કરવું પડ્યું.

ઘટના બાદ પોલીસે બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી. જ્યાં આ કિસ્સો સાંભળીને બાળકને હૂંફ આપવા માટે અનેક કર્ચમારી એકઠાં થઈ ગયા. કોઈએ બાળકને દૂધ પીવડાવ્યું તો, કોઈએ પ્રેમથી માથે હાથ ફેરવી લાડ લડાવ્યા.

આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઘટના સમયે મહિલાનો પતિ રેલવેની ટિકિટ લેવા ગયો હતો પરંતુ તે ટિકિટ લઈને પરત જ ફર્યો નથી. હાલ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મહિલા એક અઠવાડિયાથી બીમાર હતી અને તેની સારવાર ચાલી રહી હતી. મહિલાના શરીરમાં માત્ર 2 ટકા જેટલું જ લોહી હતી.

આ પણ વાંચો : SURAT : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “દુનિયાના કોઈ દેશમાં PMGKAY જેવી યોજના નથી”

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “સુરતમાં એક નાનું ભારત વસેલું છે, તમામ રાજ્યના નાગરિકો વસે છે”