સુરતમાં વાલીઓ માટે એક લાલબતી સામાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પાંચ વર્ષીય બાળકી રમતા રમતા વીંટી ગળી ગઈ હતી. દીકરી વીંટી ગળી જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા બાળકીને તાત્કાલીક ધોરણે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં તપાસ કરતા વીંટી અન્નનળીમાં ફસાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે તબીબોએ તાત્કાલિક બાળકીને દૂરબીન ઓપરેશન કરીને વીંટી બહાર કાઢવામાં આવી હતી. દૂરબીન ઓપરેશનમાં 1 કલાક થી વધુ સમય લાગ્યો હતો.
આ પણ વાંચો : Surat: ઇનોવા કારમાંથી 11.70 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી, Video સીસીટીવીમાં કેદ થયો
ઘણી વખત વાલીઓ પોતાના સંતાનોને રમતા મૂકી પોતે કામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે સુરતમાં એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 5 વર્ષીય બાળકી રમતા રમતા વીંટી ગળી ગઈ હતી. જેને લઈને પરિવાર દોડતો થઇ ગયો હતો.
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મહંતોની 5 વર્ષીય પુત્રી મનસ્વી મંગળવારે ઘરે રમતી હતી. આ દરમ્યાન દીકરી રમતા રમતા પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોઢામાં નાંખી હતી. ત્યારે અચાનક બાળકીથી વીંટી ગળાઈ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હતો. બાળકી વીંટી ગળી ગઈ હોવાની જાણ પરિવારજનોને થતા પરિવાર ચોકી ઉઠ્યા હતા અને ચિંતામાં મુકાઈ ગયા હતા. જેને લઇ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં તબીબોએ એક્સરે સહિતની જરૂરી તપાસ કરતા વીટી અન્નનળીમાં ફસાયેલી હોવાનું દેખાયું હતું. ફસાયેલી વીંટીને લઇ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જેને લઇ બાળકીની તબીબો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. બાળકીનું ઓપરેશન કરવાની પણ તબીબોએ તૈયારી શરૂ કરી દીધી હતી.
પાંચ વર્ષની બાળકી ની અન્નનળીમાં ફસાયેલી વીટીને બહાર કાઢવા માટે સિવિલના સર્જન અને ઇએનટી ડોક્ટરની સ્પેશિયલ ટીમ કામે લાગી હતી. ત્યારે આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે બાળકીના ઓપરેશન માટે નિષ્ણાત તબીબોના માર્ગદર્શન લેવાયા હતા.
ત્યારબાદ તબીબોએ જ્યાં વીંટી ફસાઈ હતી ત્યાં અન્નનળી સુધી માઇક્રો દૂરબીન મોકલવામાં આવ્યું હતું. અને એક કલાકની મહેનત પછી તબીબોએ અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી. વીંટી નીકળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ બાળકો રમતા રમતા રૂપિયાના સિક્કા જેવી વસ્તુઓ ગળી જવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં એક બાળકી વીંટી ગળી ગઈ હતી. ત્યારે સતત પ્રકાશમાં આવતી આ પ્રકારની ઘટનાઓ વાલીઓ માટે લાલબતી સમાન છે.