Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ સમજી સોશિયલ મીડિયાની તાકાત, વિદ્યાર્થીઓને આકર્ષવા કોર્સનું પ્રમોશન હવે સોશિયલ મીડિયા પર
સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી નથી. દર વર્ષે એડમિશન પ્રક્રિયા બાદ ઘણી બેઠકો ખાલી રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓને આકર્ષવા માટે નર્મદ યુનિવર્સિટીએ આ વખતે નવી ડિજિટલ પદ્ધતિ અપનાવી છે.
સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ(VNSGU) પણ સોશિયલ મીડિયાની(Social Media) તાકાતને સમજી છે. અને હવે યુનિવર્સીટીમાં ચાલતા કોર્સ માટે સોશિયલ મીડિયા પર પ્રમોશન શરૂ કરી દીધું છે. વીએનેસજીયુએ અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને બોલાવવા કવાયત હાથ ધરી છે. કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં વધારો કરવા માટે હવે નર્મદ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રમોશન શરૂ કરવામાં આવ્યું છે. ઘણા પ્રયાસો બાદ પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી નથી. દર વર્ષે એડમિશન પ્રક્રિયા બાદ ઘણી બેઠકો ખાલી રહે છે. જેના કારણે વિદ્યાર્થીઓને આકર્ષવા માટે નર્મદ યુનિવર્સિટીએ આ વખતે નવી ડિજિટલ પદ્ધતિ અપનાવી છે.
એડમિશન માટે ડિજિટલ માધ્યમનો સહારો
યુનિવર્સિટી હવે ડિજિટલ માધ્યમ થકી વિદ્યાર્થીઓને યુનિવર્સીટી સાથે જોડાયેલી કોલેજો સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. યુનિવર્સિટીનો પ્રયત્ન છે કે ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યો અને વિદેશના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ માટે આકર્ષિત કરી શકે. કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે યુનિવર્સીટી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ પોર્ટલ, ઈન્સ્ટાગ્રામ વગેરે એક્ટિવ કરવામાં આવ્યા છે. જેમાં યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો અને તેના ફાયદા વિશેની માહિતી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી રહી છે. જેથી બને તેટલા વિદ્યાર્થીઓ સુધી તે પહોંચે અને નવા એડમિશન થઈ શકે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધી કોલેજોમાં વિદ્યાર્થીઓના એડમિશન વધારવા માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શિવેન્દ્ર ગુપ્તાએ પણ અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તેઓ સફળ ન થઈ શક્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે વધી ન હતી. તેમણે યુનિવર્સિટીના પ્રમોશન માટે પ્રોફેસરોને અન્ય રાજ્યો સહિત વિદેશમાં પણ મોકલ્યા હતા.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુનિવર્સિટી અને તેમાં ચાલતા કોર્સનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે
હાલ ના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોઈપણ વસ્તુને પ્રમોટ કરવાની સૌથી શક્તિશાળી અને સરળ માધ્યમ છે. યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયાની તાકાત સમજી છે. અને હવે યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યુનિવર્સિટી અને તેમાં ચાલતા કોર્સનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અલગ અલગ વોટ્સએપ ગ્રુપ બનાવીને વિવિધ કોર્સનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે અલગ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને એડમિશન માટે આકર્ષવા માટે યુનિવર્સિટી દેશભરની વિવિધ યુનિવર્સિટીઓનો સંપર્ક કરી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા સર્ટિફિકેટ કોર્સનો સોશિયલ મીડિયા થકી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા પણ સર્ટીફીકેટ કોર્સ કરી શકે.