સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં વર્ષ 2002માં બે મહિલાઓનું ગળું કાપીને હત્યા કરવાની ગંભીર ઘટના સામે આવી હતી. આ ચકચારી ઘટનામાં 21 વર્ષ બાદ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ તેઓની પ્રેમિકાને સુરત લાવ્યા હતા અને પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હોય તેઓની ગળું કાપીને હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચના સ્ટાફને માહિતી મળી હતી કે કતારગામ વિસ્તારમાં વર્ષ 2002માં થયેલી બે યુવતીઓની હત્યાના આરોપીઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લા ખાતે ફરી રહ્યા છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઓરિસ્સા ગયી હતી અને ત્યાંથી આરોપી સંગ્રામ ઉર્ફે સીમા રમેશચંદ્ર શાહુ તથા દિલીપ ઉર્ફે ચુબુલા પદમચરણ બીસોઈને ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ઝડપાયેલા બંને આરોપીઓ વર્ષ 2002 માં તેના સાગરિત રંજુ બીસોઈ, રાનુ નાયક તથા મુગુમ બીસોઈ સાથે બંને આરોપીઓ પોતાની પ્રેમિકા સંતોષી તથા નર્મદા કે જે ઓરિસ્સાના બ્રહ્મપુરમાં રહેતી હોય તેઓને લઈને સુરત આવ્યા હતા દરમ્યાન બંને પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હતી જેથી તેમને તાપી કિનારે ફરવા લઈ જવાના બહાને બંને છોકરીઓના ગળા કાપી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.
આ ઉપરાંત ઝડપાયેલો આરોપી સંગ્રામ ઉર્ફે સીમા શાહુ રીઢો ગુનેગાર છે. જેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે તેની સામે ભૂતકાળમાં 3 હત્યા, 1 ધાડ, 1 લૂંટ, તથા એક ખૂનની કોશિશ અને આર્મ્સનો એક ગુનો નોંધાયેલો છે.
DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે કતારગામમાં બે યુવતીઓની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં 21 વર્ષ બાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતક બંને યુવતીઓ આ પકડાયેલા આરોપીઓની પ્રેમિકા હતી. અને લગ્ન માટે દબાણ કરતા આ આરોપીઓએ યુવતીઓને સુરત લાવીને ગળું કાપીને હત્યા કરી ફરાર થઇ ગયા હતા. મહત્વનુ છે કે 21 વર્ષ બાદ આરોપીઓનો ચેહરો તેઓનો દેખાવ બદલાઈ ગયો હોય છ્તા આરોપીઓને રાત્રીના સમયે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો