સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી ભયાનક આગથી રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની વિશેષ ટીમ સુરત પહોંચી છે, જે ઘટનાની ત્વરિત અને વિગતવાર તપાસમાં લાગેલી છે. આ ઘટનામાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને ટેક્સટાઇલ વેપારીઓએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માગણી કરી છે, જેથી આર્થિક નુકસાનમાંથી ઉગરી શકાય.
તપાસ પૂર્ણ થયા બાદ ટીમ પોતાનો વિગતવાર અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરશે, જેના આધારે પીડિત વેપારીઓ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય અને સંવેદના જાહેર થવાની અપેક્ષા છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આ વિકરાળ આગ પર 32 કલાકની અવિરત મહેનત બાદ કાબૂ મેળવવામાં આવ્યો. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને શમાવી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ ચોથા અને પાંચમા માળની કેટલીક દુકાનોના સ્લેબ ધરાશાયી થયા હતા, અને પાંચ દુકાનોમાં સામાન્ય આગની ઝાંખી પણ જોવા મળી હતી.
આગની શરૂઆત 25 ફેબ્રુઆરીએ બેઝમેન્ટમાં થઈ હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી. પરંતુ 26 ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યે ફરીથી આગ ભભૂકી ઉઠી અને જલ્દી જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આગનો કારણ સંભવતઃ બેઝમેન્ટમાં કુલિંગ પ્રક્રિયા પછી ઈલેક્ટ્રિક વાયરમંઝ રહેલા પાણી હોઈ શકે છે. એ સાથે કોઈએ સ્વીચ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ સંભાવના છે.
શિવશક્તિ માર્કેટની સ્થાપના 1996માં ભૂપત પટેલ અને અરુણ પટેલ નામના બે ભાઈઓએ કરી હતી. માર્કેટમાં કુલ 6 માળ પર 822 દુકાનો આવેલી છે, જેમાંથી લગભગ 700 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. એક દુકાનની સરેરાશ કિંમત 60 લાખથી 1 કરોડની વચ્ચે છે, અને દરેક દુકાનમાં અંદાજે 12થી 15 લાખનો માલ પડ્યો હતો. આ આધારે, કુલ નુકસાનનો અંદાજ 850 કરોડ રૂપિયાથી વધુનો મૂકવામાં આવી રહ્યો છે.