Surat : SVNITના વિદ્યાર્થીઓની જીવના જોખમી ઉજવણી, વિદ્યાર્થીઓ 20 ફૂટ ઉંચા ગેટ પર ચઢીને કરી ઉજવણી, જાણો સમગ્ર મામલો
એસવીએનઆઇટી (SVNIT) ખાતે શનિવારે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતાં ફેરવેલ પાર્ટી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહના ઉન્માદમાં 20 ફૂટ ઊંચા મેઇન ગેટ અને ઇચ્છાનાથના ટ્રાફિક સર્કલ ઉપર ચઢી ગયા હતા અને ધમાલ મસ્તી કરી હતી.

Surat: એસવીએનઆઇટી (SVNIT) ખાતે શનિવારે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થતાં ફેરવેલ પાર્ટી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહના ઉન્માદમાં 20 ફૂટ ઊંચા મેઇન ગેટ અને ઇચ્છાનાથના ટ્રાફિક સર્કલ ઉપર ચઢી ગયા હતા અને ધમાલ મસ્તી કરી હતી. શહેરના ઇચ્છાનાથ ખાતે આવેલી એસવીએનઆઇટી (SVNIT) કોલેજમાં બીટેકના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયાના અતિરેકમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા. સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, એસવીએનઆઇટીમાં શનિવારે બીટેકના વિદ્યાર્થીઓની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો.
વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી ઉજવી હતી. વિધાર્થીઓ ઉત્સાહના ઉન્માદમાં ઇન્સ્ટિટ્યૂટના 20 ફૂટ ઊંચા મેઇન ગેટ ઉપર ચઢી ગયા હતા. ઉપર ચઢીને ફોટા પડાવ્યા હતા. વિદ્યાર્થીઓએ કોલેજ કાળના છેલ્લા દિવસની યાદો ફોટોમાં કંડારી હતી. કોલેજના અમુક વિદ્યાર્થીઓ તો ભર ટ્રાફિકમાં ઇચ્છાનાથ ટ્રાફિક સર્કલ ઉપર પણ ચઢી ગયા હતા. વિદ્યાર્થીઓની આવી હરક્ત જોઈને થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે તેઓ દ્વારા આવી જ રીતે ઉજવણી કરતા આવ્યા છે. વિધાર્થીઓએ જણાવ્યું હતું કે, છેલ્લે દિવસે હવે આ રીતે જ સેલિબ્રેશન કરવાનો રિવાજ થઇ ગયો છે.
જોકે વિદ્યાર્થીઓ દ્વારા આટલી ઊંચાઇ ઉપર ચઢીને ખુશી વ્યક્ત કરવી અતિરેક હતી. ઉત્સાહના ઉન્માદમાં કોઇ આશાસ્પદ વિદ્યાર્થી નીચે પડી જતે તો મોટી દુર્ઘટના પણ થઈ શકતે. વિદ્યાર્થીઓ કોલેજના 20 ફૂટ ગેટ પર ચડીને ઉજવણી કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસ મોડી સાંજે ત્યાં પહોંચી હતી. અને વિદ્યાર્થીઓને ગેટની નીચે ઉતારીને છુટા કર્યા હતા. નોંધનીય છે કે, આ કોલેજમાં અલગ અલગ પ્રાંતમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. આ પહેલા અનેક વિવાદોમાં આ કોલેજ આવી ચૂકી છે.