સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાદ ખાડે ગયેલા વહીવટનો વધુ એક ઉત્તમ નમુનો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી રાબેતા મુજબ શાળાઓ (School ) શરૂ થવા છતાં આજ દિન સુધી બાળકો મધ્યાહ્ન ભોજન યોજનાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. શહેરભરના અલગ – અલગ વિસ્તારોમાં અંદાજે 300થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના 1.50 લાખથી વધુ ભુલકાઓ પ્રત્યે દાખવવામાં આવી રહેલી આ પ્રકારની ગંભીર લાપરવાહી મુદ્દે હજી સુધી સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગત 22મી ફેબ્રુઆરીથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં રાબેતા ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેને પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં આવેલી 300થી વધુ શાળાઓમાં પણ 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ ઓફલાઈન અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા હતા. છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી શાળાએ અભ્યાસ માટે આવતાં ભુલકાઓને જો કે હજી સુધી મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મળ્યો નથી.
ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના આ બાળકો સાથે દુર્લક્ષ અને ધરાર નિષ્કાળજી દાખવવામાં આવી રહી હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. એક તરફ શાસકો કુપોષણ સામે જંગ લડવા માટે પોતાની મક્કમતાના ભરપેટ વખાણ કરતા હોય ત્યારે બીજી તરફ ખુદ આ શાસકો જ શહેરના 1.50 લાખથી વધુ ગરીબ અને શ્રમિક વર્ગના બાળકો માટે કેટલા ગંભીર છે જે ફલિત થઈ રહ્યું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને જ્યારે શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના અંગે પુછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ તદ્દન ઉડાઉ જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે હાલ તેઓ પાસે કોઈ જાણકારી નથી. આમ, શહેરના ગરીબ અને શ્રમિક પરિવારના ભુલકાઓ માટે શાસનાધિકારી કેટલા ગંભીર છે તે અંગે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજનાની અવેજમાં રાશનની કુપનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અલગ – અલગ સમયે 23થી 68 દિવસ સુધીની કુપનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ યોજના પણ ઓક્ટોબર મહિના બાદ અભરાઈ પર ચઢી ગઈ છે અને છેલ્લા પાંચેક મહિનાથી બાળકોને અનાજની કુપનનું વિતરણ કરવામાં ન આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાળકોને અનાજની કુપનનું જે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 1થી 5ના બાળકો માટે પ્રતિદિન 50 ગ્રામ ઘંઉ અને 50 ગ્રામ ચોખાનો સમાવેશ થતો હતો જ્યારે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 75 ગ્રામ ઘંઉ અને 75 ગ્રામ ચોખાનો સમાવેશ કરવામાં આવતો હતો. આ સિવાય આ અનાજના રાંધણ માટે પણ સમિતિની શાળાઓમાં પ્રતિ બાળક રોજના 4.95 રૂપિયાથી માંડીને 7.45 રૂપિયાની સહાય પણ કરવામાં આવી હતી.
સામાજીક અગ્રણી અને પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અસમલ સાયકલવાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્ર સાથે – સાથે ચેરમેન અને સભ્યો ગરીબ બાળકો સાથે ન્યાય કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જે કુપન પેટે અનાજ મળતું હતું અને રાહત મળતી હતી તે બંધ થતાં જે પાપ થયું છે તેના ભાગીદાર ચેરમેન અને સભ્યો છે.
આ પણ વાંચો :