Surat : જાહેરમાં રેગીંગ કરનાર સિનિયર તબીબો નિર્દોષ પુરવાર થવાની સંભાવના, કેસમાં ભીનું સંકેલવાના પ્રયાસો
હોસ્પિટલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં જે ઘટના બની છે તેમાં યોગ્ય તપાસ કરવામાં આવશે . તપાસ કમિટીનો જે રીપોર્ટ આવશે તેમાં પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે . આ ઉપરાંત આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે .
સુરત(Surat) મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં(SMIMER Hospital) ગત 22 મી તારીખે રેગિંગ (Ragging) પ્રકરણમાં આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા રીપોર્ટ સબમિટ કરી દેવાની સંભાવના છે . કમિટી દ્વારા નરો વા કુંજરોવાની નીતિ અપનાવામાં આવે તેવી પણ સંભાવના સેવાઇ રહી છે . રેગિંગનો ભોગ બનેલ વિદ્યાર્થી દ્વારા તપાસ સમિતિ સમક્ષ કોઈપણ પ્રકારની ફરિયાદ નહીં કરવામાં આવતા આખા પ્રકરણનું ફીંડલું વળી જશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે . તપાસ કમિટી દ્વારા સીસીટીવી ફૂટેજ અને સ્ટાફ સહિતનાં નિવેદનો લેવાયા છે જેના આધારે અંતિમ નિર્ણય લેવાશે . વખતોવખત વિવાદનું ઘર બનેલી સ્મીમેર હોસ્પિટમાં બે જુનિયરો પર રેગિંગની ઘટના બની હતી જેના ઘેરા પ્રત્યાઘાત પડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો . આ સંદર્ભે તબીબી જગતમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ના છૂટકે સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તપાસ કમિટીનાં નામે સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પહેલેથી જ આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ
જે તે સમયે સ્મીમેરના વહીવટી તંત્ર પર ભારે માછલાં ધોવાતાં સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.દિપક હોવલે દ્વારા પાંચ વિભાગીય વડાઓને તાત્કાલિક આ કેસમાં ઈકવાયરી કરી રીપોર્ટ આપવા આદેશ કરાયો હતો . ત્રણ દિવસમાં જે રીપોર્ટ આપવાનો હતો તે વાતને અઠવાડિયા જેટલો સમય થઇ ગયા બાદ પણ હજુ સુધી રીપોર્ટ સબમીટ કરવામાં આવ્યો નથી. મહત્વની વાત તો એ છે કે પહેલેથી જ આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાના કારણે રીપોર્ટમાં પણ કંઈ સામે આવે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું નથી . પરંતુ આ સમગ્ર કેસમાં તપાસ કમિટી દ્વારા વીડિયોમાં દેખાતા અન્ય સ્ટાફના નિવેદન પણ લેવાયા છે જેના આધારે કોઈ કાર્યવાહી થાય તો નવાઈ નહીં .
બંને જુનિયર તબીબનું અપેક્ષિત મૌન
સિનિયરોનાં રેગિંગનો ભોગ બનનાર બંને જુનિયર તબીબો એટલી હદે ડરી ગયા હતા કે મગનું નામ મરી પાડવા તૈયાર જ નહતા.પ્રાથમિક પૂછપરછમાં પણ બંને પૈકી એક પણ તબીબે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું . તપાસ કમિટી સામે પણ તેઓએ યોગ્ય જવાબ આપ્યો ન હતો . જેથી તેમને લેખિતમાં નિવેદન આપવા પણ જણાવવામાં આવ્યું હતું . હવે આ સમગ્ર કેસમાં ત્રણેય સિનિયર તબીબોએ ભલે જાહેરમાં રેગિંગ કર્યું પરંતુ આ કેસમાં તેઓ નિર્દોષ પુરવાર થઇ નીકળી જશે તેવું લાગી રહ્યું છે .
ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે ધ્યાન રાખવામાં આવશે
હોસ્પિટલ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલમાં જે ઘટના બની છે તેમાં યોગ્ય તપાસ કરવામાં આવશે . તપાસ કમિટીનો જે રીપોર્ટ આવશે તેમાં પણ ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે . આ ઉપરાંત આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે . તેઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓમાં તપાસ કમિટી બનાવવા કરતા પહેલા એકવાર એકશન લઇ લેવા જોઈએ . જેથી કરી ભવિષ્યમાં બીજી વાર આવી કોઈ ઘટના ન બને .
સીસીટીવી ફૂટેજ ચેક કરાયા સિક્યુરિટીના નિવેદન લેવાયા
તપાસ કમિટીએ સ્મીમેર હોસ્પિટલના અલગ અલગસ્થળના સીસીટીવી કેમરા ચેક કરી ફૂટેજ કબ્જે કર્યા હતા . આ સીસીટીવી કેમેરામાં પણ બે પૈકી એક તબીબ સતત દોડતો હોવાનું કેદ થયું છે . પરંતુ ઓડિયો ન હોવાના કારણે શું વાતચીત થઇ રહી છે તે જાણવા મળ્યું નથી . આ ઉપરાંત સ્મીમેરના રેગિંગવાળા વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા સીક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ફુટેજમાં પણ દેખાતા અન્ય કર્મચારીઓના પણ તપાસ કમિટી દ્વારા નિવેદન લેવામાં આવ્યા હોવાનું સ્મીમેરના ડીન ડો.દિપક હોવલેએ જણાવ્યું હતું .
આ પણ વાંચો : Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ
આ પણ વાંચો : Rajkot : રખડતા ઢોર મામલે સરકાર કાયદો લાવે તે પહેલા માલધારી સમાજે નોંધાવ્યો વિરોધ, પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ