Surat: હજીરાથી ભાવનગર માટે દરિયાઈ પોસ્ટલ સેવા શરૂ, હવે 32 કલાકને બદલે 7 કલાકમાં પહોંચશે પાર્સલ

Baldev Suthar

|

Updated on: Jan 20, 2023 | 1:13 PM

ભાવનગર અને સુરતના હજીરાના દરિયા વચ્ચે રો-રો ફેરી સર્વિસ દ્વારા દરિયાઈ મેલના પરિવહન 12 ડિસેમ્બરથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. આજથી આ સેવા શરૂ થતા હવે સંદેશાવ્યવહાર તેમજ પાર્સલ સેવા વેગીલી બનશે.

રાજ્યમાં આજથી સુરતના હજીરાથી ભાવનગર માટેની દરિયાઈ પોસ્ટલ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. હવે પોસ્ટ વિભાગ દરિયાઈ માર્ગે પણ લોકોના ટપાલ અને પાર્સલ પહોંચાડશે. પહેલા સુરતથી ભાવનગર સુધી ટપાલ કે પાર્સલ પહોંચાડવા માટે 32 કલાકનો સમય લાગત હતો.  જે ઘટીને હવે માત્ર 7 કલાકનો જ સમય થશે. આ દરિયાઈ પોસ્ટલ સેવાને તરંગ પોસ્ટ સેવા નામ આપવામાં આવ્યું છે.

હવાઈ, જમીન અને રેલ મારફતે ટપાલ મોકલાવ્યા બાદ હવે ભારતીય પોસ્ટલ વિભાગ આજથી જળ સેવા મારફતે ટપાલ મોકલશે. ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ અને સુરતના ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈના હસ્તે તરંગ પોસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો  હતો. આ સેવા દ્વારા સુરત, વલસાડ, અમરેલી, ભાવનગરથી 15 ટન ટપાલ મોકલી શકાશે.

તરંગ પોસ્ટ સેવા માટે 12 ડિસેમ્બરથી શરૂ થઈ હતી ટ્રાયલ

20 જાન્યુઆરીથી વિધિવત રીતે રોજ રો-રો ફેરી સર્વિસથી ટપાલ અને વિવિધ પાર્સલ મોકલવાની શરૂઆત કરવામાં આવી છે તે અગાઉ આ સેવા માટે ટ્રાયલની શરૂઆત કરવામાં આવી  હતી. ભાવનગર અને સુરતના હજીરાના દરિયા વચ્ચે રો-રો ફેરી સર્વિસ દ્વારા દરિયાઈ મેલના પરિવહન 12 ડિસેમ્બરથી ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે હવે સંદેશાવ્યવહાર તેમજ પાર્સલ સેવા વેગીલી બનશે.

 

રો રો ફેરી સેવા દ્વારા  હવે ઝડપથી લોકોના  પાર્સલ અને પોસ્ટ પહોચી જશે જેના કારણે વેપારીઓને અગત્યના  કાગળો પહોંચાડવામાં  તેમજ જરૂરી દસ્તાવેજોની આપ લે માટે પણ આ સેવા મહત્વની બની રહેશે. ભાવનગરનું ઘોઘા બંદર તેમજ સુરતના હજીરા બંદરેથી વર્ષોથી  મોટા પાયે વહાણવટું થાય છે. તેથી આ સુવિધા લોકો માટે મહત્વની બની રહેશે.

રાજ્યના નાગરિકો સુધી ઓછામાં ઓછા સમયની અંદર ટપાલ મોકલાવવા માટે ભારતીય પોસ્ટ વિભાગ રેલ અને હવાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યું હતું. ખાસ કરીને અન્ય રાજ્યોની અને વિદેશની પોસ્ટ હવાઈ માર્ગે મોકલાવવામાં આવે છે. જ્યારે આંતરરાજ્યની પોસ્ટ રેલ અથવા બાય રોડ મોકલાય છે .  12મી ડિસેમ્બરથી હજીરા-ઘોઘા ફેરીમાં 60 કિલોમીટર દરિયાઈ માર્ગે ટપાલ મોકલાવાઈ હતી. પ્રાયોગિક ધોરણે સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ વિસ્તારની ટપાલ મોકલવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં અંદાજિત 15 ટન ટપાલ દરિયાઈ માર્ગે મોકલી દેવામાં આવી છે ત્યારે આજ રોજ મંત્રી એ અને ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં હવે સત્તાવાર આ સેવાનો પ્રારંભ થઈ ચુક્યો છે

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati