
સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી જય હનુમાન ચાઈનીઝ સેન્ટરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગ્રાહકે મન્ચુરિયનનો ઓર્ડર આપ્યા બાદ તેની પ્લેટમાંથી મૃત ઉંદર નીકળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટનાથી ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે પોતાના મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના કારણે મામલો ઝડપથી ચર્ચાનો વિષય બન્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં ચાઈનીઝ સેન્ટરમાં અત્યંત ગંદકી વચ્ચે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. રસોડામાં સ્વચ્છતાનો અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપો બાદ સ્થાનિક લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી. લોકો દ્વારા આવી દુકાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
ઘટનાની ફરિયાદ મળતા જ સચિન સાઉથ ઝોનના ફૂડ સેફ્ટી વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ચાઈનીઝ સેન્ટરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીના સંગ્રહ, રસોડાની સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોની ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં અનેક પ્રકારની બેદરકારી સામે આવતાં વિભાગે દુકાનદારને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.
તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી હતી. ફૂડ સેફ્ટી વિભાગને જાણવા મળ્યું કે જય હનુમાન ચાઈનીઝ સેન્ટર સુરત મહાનગરપાલિકાના જરૂરી ટ્રેડ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. આ મુદ્દે પણ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ અને બેદરકારી બદલ ફૂડ સેફ્ટી વિભાગે દુકાનદારને ₹10 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત દુકાનમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, ખાદ્ય સામગ્રી સ્વચ્છ વાતાવરણમાં તૈયાર કરવા અને તમામ ફૂડ સેફ્ટી નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ફરી આવી બેદરકારી સામે આવશે તો વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાએ શહેરમાં સ્ટ્રીટ ફૂડ અને નાના ફૂડ સેન્ટરોમાં સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી દ્વારા જ આવી ઘટનાઓ અટકાવી શકાય છે. બીજી તરફ ફૂડ સેફ્ટી વિભાગે પણ શહેરભરમાં આવા ફૂડ સેન્ટરો પર વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવાની તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો- Breaking News : ઘુમામાં ગાડી નીચે દીપડો દેખાવાની અફવા પર પૂર્ણવિરામ, CCTV તપાસમાં બિલાડી હોવાનો ખુલાસો, જુઓ Video
Published On - 1:04 pm, Wed, 22 July 26