
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ યથાવત્ રહેતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અડાજણ, એલપી સવાણી રોડ, કેનાલ રોડ, ડભોલી અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના કેટલાક શાળાઓ પાસે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મધ્યમાર્ગે જ રજા આપી દેવામાં આવી. વાલીઓ બાળકોને ખભે બેસાડીને ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે તમામ શાળાઓમાં બપોર પાળીની રજા જાહેર કરવામાં આવે છે. સવારની પાળીમાં હાજર રહેલા બાળકોને ઝડપથી ઘરે પહોંચાડવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધીના મુખ્ય વરસાદી વિસ્તારોમાં સુરતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર અને પશ્ચિમ સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ અને કાપોદ્રા વિસ્તારમાં ભારે વરસાદથી સડકો પર પાણી ભરાઈ ગયા છે.
મધ્ય સુરતના મહિધરપુરા, મજુરાગેટ અને અઠવાગેટ વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે ટ્રાફિકમાં અવરજવર જોવા મળી છે. દક્ષિણ અને પશ્વિમી સુરતના વિસ્તારો જેમ કે વેસુ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, સિટી લાઈટ, તેમજ પાંડેસરા, ઉધના અને ખટોદરામાં પણ સતત વરસાદ વરસતા નદી-નાળાઓ નજીકના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. આ તમામ વિસ્તારોમાં સ્થાનિક રહેવાસીઓએ પાણી ભરાવા અને વાહન વ્યવહાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેનાલ રોડ, ડભોલી અને સિંગણપોર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેટલીક કોલોનીઓ અને બજારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક પ્રશાસન અને NDRF ટીમોને સતર્ક રાખવામાં આવી છે.