
સુરત : અવિશ્વસનીય પણ સત્ય! સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષમાં આવેલા “અનભ જેમ્સ” નામના રત્ન કારખાનામાં એક ગંભીર ઘટના સામે આવી છે. 118 જેટલા રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ તબિયત લથડવા લાગી હતી. જે પછી 108 જેટલા રત્ન કલાકારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોને કૂલરનું પાણી પીધા બાદ એકે એક તબિયત લથડવા લાગી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને 108 જેટલા કલાકારોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કિરણ હોસ્પિટલમાં 104 રત્ન કલાકાર દાખલ છે. ડાયમંડ હોસ્પિટલમાં 14 રત્ન કલાકાર દાખલ સારવાર હેઠળ છે. ICUમાં 2 રત્ન કલાકાર દાખલ દાખલ છે. તમામની તબિયત હાલ સ્થિર છે અને તબીબોની દેખરેખ હેઠળ છે.
પોલીસ અને FSLના અનુસંધાનમાં ખુલાસો થયો છે કે કૂલરમાં સેલ્ફોસ નામનું ઝેરી પદાર્થ મળ્યું છે. આ પદાર્થનું પાઉચ કોઇએ ખાસ રીતે કૂલરમાં નાખ્યું હતું. જો કે પાઉચનું અંદરનું પેકેટ ખુલ્યું ન હોવાથી ઝેરી અસરની તીવ્રતા ઓછી રહી અને મોટી જાનહાનિ ટળી.
મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક ઘટનાની તમામ માહિતી મેળવી હતી. તેમના આદેશ બાદ રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા સુરત પહોંચ્યા હતા. તેમણે જાતે જ હોસ્પિટલની મુલાકાત લઈને અસરગ્રસ્ત કલાકારોની ખબર લઈ અને મુખ્યમંત્રીને સ્થિતિની જાણકારી આપી.
તબીબોની સૂચના મુજબ, બધાની તબિયત સ્થિર છે. તમામ પર ચિકિત્સકોની કાળજીપૂર્વક દેખરેખ ચાલી રહી છે. જો તબિયત સ્થિર જણાશે તો રત્નકલાકારોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આ ઘટના એક ચેતવણીરૂપ સાબિત થઈ છે કે કારખાનાઓમાં કામદારોની સલામતી માટે વધુ સજાગતા જરૂરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પણ આવા ષડયંત્ર પાછળ કોણ છે તે શોધવી અને જવાબદારને કડક સજા થાય તે જરૂરી બની રહ્યું છે.
Published On - 10:07 am, Thu, 10 April 25