સુરતમાં 100 પરિવારોના ઘર તોડી પાડી રસ્તા પર ફેંકી દેવાનું પાપ કોણે કર્યુ? SMC એ કોને ફાયદો પહોંચાડવા ગરીબોના માથેથી છત છીનવી?

સુરતમાં એક એવો ડિમોલિશન કાંડ સામે આવ્યો છે જે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધિશો દ્વારા એક એવુ ડિમોલિશન કરવામાં આવ્યુ, જેમા ના તો કોઈ આગોતરી નોટિસ આપવામાં આવી, ના તો જેમના ઘરો તોડવાના છે તેમના માટે રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. સુરતના નાસિરનગર વિસ્તારમાં એકસાથે 100 પરિવારોને રઝળતા કરી દેવામાં આવ્યા છે અને રાતોરાત તેમના માથેથી છત છીનવી લેવામાં આવી. આ એવુ અદૃશ્ય ડિમોલિશન હતુ કે ખુદ SMC ના અધિકારીઓ જ નથી જાણતા કે કોણ કરી ગયુ અને હવે જ્યારે પાપ છતુ થયુ છે તો દોષનો ટોપલો મીડિયા પર ઢોળવાનો હીન પ્રયાસ SMCના કહેવાતા સત્તાધિશો કરી રહ્યા છે.

સુરતમાં 100 પરિવારોના ઘર તોડી પાડી રસ્તા પર ફેંકી દેવાનું પાપ કોણે કર્યુ? SMC એ કોને ફાયદો પહોંચાડવા ગરીબોના માથેથી છત છીનવી?
| Updated on: Jun 11, 2026 | 9:40 PM

સુરતમાં 30 મી મે અને 1 જૂન દરમિયાન ડિમોલિશનની કાર્યવાહી કરવામા આવી અને 100 પરિવારોને રઝળતા કરી દેવામાં આવ્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેમને આ અંગે અગાઉ કોઈ જ પ્રકારની જાણ પણ કરવામાં આવી ન હતી. રાતોરાત લોકોને રસ્તા પર લાવી દેવામાં આવ્યા અને જ્યારે લોકોએ કોર્પોરેશન પાસે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગ કરી તો સુરત મહાનગરપાલિકાના સત્તાધિશોએ પણ હાથ અધ્ધર કરી દીધા કે કોર્પોરેશને આ ડિમોલિશન કર્યુ જ નથી. લોકોએ અનેક વીનવણીઓ કરી હશે, તેમને માત્ર જાણ કરવામાં આવી કે ગેરકાયદે બાંધકામ તોડવાનો આદેશ છે અને લોકો કંઈ સમજે એ પહેલા તો લોકોના આશિયાનાને તહસનહસ કરી દેવામાં આવ્યા. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે શરૂઆતમાં આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં જ નથી આવ્યુ તેવુ રટણ કરવામાં આવ્યુ.

શું આકાશવાણી થઈ હતી ડિમોલિશન કરવા માટેની ?

જરા વિચારો મનપાએ ડિમોલિશનની મંજૂરી નથી આપી તો કોની તાકાત છે કે આ પ્રકારે એકી ઝાટકે 100 મકાનો તોડી પાડે? સ્થાનિકોનું સ્પષ્ટ કહેવુ હતુ કે જ્યારે ડિમોલિશન થયુ ત્યારે પાલિકાના સભ્યો અને પોલીસ પણ હાજર હતી. કોંગ્રેસના નેતાનું પણ સ્પષ્ટ કહેવુ છે કે ચુસ્ત પોલીસ કાફલો અને પાલિકાના સભ્યોની હાજરીમાં મકાનો તોડાયા છે.

જ્યાં SMC દ્વારા રાતોરાત ડિમોલિશન કરી દેવાયુ ત્યા 60 વર્ષથી વસાહત છે. લોકો નિયમિત વેરો, પાણી બિલ, વીજળી બિલ ભરે છે તો ગેરકાયદે વસાહત કેવી રીતે થઈ જાય તે મોટો સવાલ છે અને બીજો સવાલ એ છે કે તો ડિમોલિશન શેના આધારે કરવામાં આવ્યુ. જ્યારે સ્થાનિકો અને વિપક્ષના નેતા પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા તો કહેવાતા મનપાના સત્તાધિશોએ તો ઉદ્ધતાઈથી જણાવી દીધુ કે પાલિકાએ દબાણ દૂર કરવા કહ્યુ જ નથી.

ભૂતિયા ડિમોલિશન કોણ કરી ગયુ તે સવાલનો જવાબ હજુ મળ્યો નથી. છેલ્લા 12 દિવસથી 100 રસ્તા રઝળવા મજબુર બન્ય છે. તેમના માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી.
અંતે રહી રહીને મનપાના સત્તાધિશોએ મગનું નામ મરી પાડતા જણાવ્યુ કે તેમની ટીમ ડીમાર્કિંગ કરવા માટે ગઈ હતી અને તેના માટે પોલીસ બંદોબસ્ત માગ્યો હતો. જો કે પાલિકા દ્વારા હજુ એ જવાબ નથી અપાયો કે ડિમાર્કિંગ કરવા ગઈ હતી તો ડિમોલિશન કેમ કરી દેવામાં આવ્યુ. આટલો મોટો આદેશ કોણે આપ્યો? હાલ પાલિકાના આ ઢંગધડા વગરના વહીવટને કારણે 100 ગરીબ પરિવારોની સ્થિતિ કફોડી બની છે અને કાળજાળ ગરમી વચ્ચે તેઓ રસ્તા પર રહેવા મજબુર બન્યા છે. ગરીબ પરિવારો છેલ્લા કેટલાય દિવસોથી મહાનગરપાલિકાની કચેરી અને પોલીસ સ્ટેશન વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે પણ બંને જગ્યાએથી તેમને નિરાશા જ સાંપડી છે. કોઈ અધિકારી પાસે તેમના સવાલોના જવાબ નથી આપી રહ્યા.

એડવોકેટ ઝમીર શેખ એ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી

આ સમગ્ર મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. એડવોકેટ ઝમીર શેખે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમ ગરીબ પરિવારોને આગોતરી નોટિસ આપ્યા વગર કાયદાકીય જોગવાઈનું પાલન કર્યા વગર ડિમોલિશન કરી દેવાયુ હોવાનો આક્ષેપ કરાયો છે અને જવાબદારો સામે FIR નોંધી ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

આ સમગ્ર ઘટના પરથી પાલિકાનું પાપ છાપરે ચડીને ત્યારે બોલ્યુ જ્યારે ડિમોલિશન કાર્યવાહીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ સમગ્ર કાંડમાં વિલન માત્ર SMC ના અધિકારીઓ જ નહીં, પોલીસની પણ સંડોવણી CCTV ફુટેજ દ્વારા છત્તી થઈ છે. ડિમોલિશનના CCTV એ પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉભા કર્યા છે. CCTVમાં દેખાતા પોલીસકર્મીઓ સ્થાનિક લોકોને મકાનો ખાલી કરવા માટે આદેશ આપતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનામાં પોલીસની સંડોવણી અને જવાબદારી અંગે ચર્ચા તેજ બની છે. CCTVમાં SMC ની ટીમની સાથે પોલીસ પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ત્યારે પોલીસ અને SMC ની મિલિભગત હોવાનુ પણ સ્પષ્ટ થઈ રહ્યુ છે. જેનું કામ રક્ષણ આપવાનું છે તે જ અહીં તો લોકોના ઘરો તોડવામાં મદદગારી કરતી જોવા મળી રહી છે.

તપાસ સમિતિ રચવાનું નાટક કેમ?

આ સમગ્ર મામલે રહી રહીને 11 દિવસ બાદ મનપા કમિશનરે તપાસ સમિતિની રચના કરી. કમિશનરે 6 સભ્યોની તપાસ કમિટીની રચના કરી, જેમા બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ, એક એડિશનલ સિટી ઈજનેર, 2 કાર્યપાલક ઈજનેર અને એક ડેપ્યુટી ઈજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપશે.

ધારાસભ્ય વિનુ મોરડિયાએ ખુદ તપાસ કમિટી સામે ઉઠાવ્યા સવાલ

જો કે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ખુદ આ તપાસ કમિટી સામે સવાલો ઉઠાવતા કહ્યુ કે જે અધિકારીઓ આ ડિમોલિશન માટે જવાબદાર છે તેઓ તેમની ખુદની સામે તપાસ કેવી રીતે કરશે? ધારાસભ્યએ માગ કરી કે સમગ્ર મામલે સચિવ કક્ષાના અધિકારી દ્વારા તપાસ થવી જોઈએ અને SMC અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માગ કરી. મોરડિયાએ આક્ષેપ કર્યો કે કાયદાની ઉપરવટ જઈને ડિમોલિશન કરવામાં આવ્યુ છે અને આ કાંડમાં હાથ કાળા કરનારા કોઈ અધિકારી છટકી શકશે નહીં.

ડિમોલિશન  લિગલ હતુ, એવુ એકાએક બ્રહ્મજ્ઞાન ક્યાંથી થયુ?

ભૂતિયા ડિમોલિશન કાંડના 12 દિવસ બાદ જાણે મનપાના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થતુ હોય તેમ તેઓ હવે મીડિયા સમક્ષ આવીને એવો દાવો કરતા જોવા મળ્યા કે ડિમોલિશનની કાર્યવાહી કાયદેસર હતી. તેને ભૂતિયા ડિમોલિશન કહેવુ ખોટુ છે. અત્યાર સુધી જે સત્તાધિશો મનપા દ્વારા આદેશ નથી કરાયો, મનપાએ ડિમોલિશનની કાર્યવાહી નથી કરી, મનપાએ માત્ર ડિમાર્કિંગ માટે ટીમ મોકલી હતી. એ પ્રકારનું રટણ કરી રહી હતી તેને એકાએક ભાન થાય છે કે ડિમોલિશન તો કાયદેસરક રીતે કરાયુ છે. ભૂતિયા નથી.

બંધારણની વાતો કરતી સરકાર 100 પરિવારો સાથે ન્યાય કરશે?

મનપાના સત્તાધિશો શું એટલુ પણ નથી જાણતા કે કોઈ વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડીને તે કંઈ સમજે એ પહેલા તેના ઘર પર બુલડોઝર ચલાવી દેવુ એ ક્યાંનો કાયદો છે? બંધારણની કઈ કલમ તેને યોગ્ય ઠેરવશે? 12 દિવસ સુધી મનપાના સત્તાધિશોને ભેદી મૌન સેવીને બેઠા હતા અને એકાએક કાર્યવાહીને કાયદેસર કરાર આપી દીધો. 12 દિવસ બાદ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેરે મીડિયા સમક્ષ આવીને જણાવ્યુ કે આ કોઈ ભૂતિયા ડિમોલિશ ન હતુ, સંપૂર્ણપણે કાયદેસરની પ્રક્રિયા હતી. સાથે એવો પણ દાવો કર્યો કે મનપાએ તમામ કામગીરી કાયદાકીય જોગવાઈ અનુરૂપ કરી છે. સાથે મીડિયા પર આરોપ લગાવ્યો કે મીડિયાએ સમગ્ર મુદ્દાને ખોટી રીતે ચગાવ્યો છે.

આ મામલે મીડિયા સવાલ ઉઠાવે એ પહેલા તો ધારાસભ્ય વિનુ મોરડિયા એ જ સવાલો ઉઠાવ્યા છે. મોરડિયાએ કહ્યુ કે ડિમોલિશન કોઈના હિત માટે અને લાભ માટે કરવામાં આવ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. આવિવાદમાં સુરત મહાનગરપાલિકાના વધુ એક અધિકારીનું નામ ચર્ચામાં આવ્યું છે. સુજલ પ્રજાપતિ નામના અધિકારી સામે આરોપો થઈ રહ્યા છે કે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જ્યારે સ્થાનિકોના મકાનો ખાલી કરાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ સ્થળ પર હાજર હતા. સુજલ પ્રજાપતિ હાલમાં રોડ ડેવલપર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેમનું નામ અગાઉ પણ વિવિધ વિવાદોમાં સામે આવી ચૂક્યું છે. આ પહેલાં આ જ મામલે જીયાંગ રામજીવાલા સામે પણ ગંભીર આરોપો ઉઠ્યા હતા, ત્યારે હવે સુજલ પ્રજાપતિનું નામ સામે આવતાં સમગ્ર વિવાદ વધુ ગરમાયો છે.

કોને ફાયદો પહોંચાડવા 100 લોકોને રસ્તે ફેંકી દેવાનું પાપ થયુ?

નાસિર નગરના 100 મકાનો તોડી પાડવાનો વિવાદ દિવસે દિવસે વધુ ઘેરો બની રહ્યો છે. નોટિસ વગર લોકોના ઘર તોડી પાડી રસ્તા પર લાવી દેવાયા છે અને ડિમોલિશન મામલે મનપા સંતાકુકડીની રમત રમી રહી છે ક્યારેક કહે છે કે તેમણે મકાનો તોડ્યા નથી, ફરી તેમનો જ કોઈ અધિકારી આવીને એવુ નિવેદન આપે છે કે ડિમોલિશન કાયદે સર છે. તો સીધો સવાલ એ છે તે મનપા માટે શું આ બધુ રમત છે? પહેલા જ્યાંગ રામજીવાલાનો વીડિયો સામે આવ્યો હતો, જેમા તે માથે રૂમાલ બાંધીને ડિમોલિશન સ્થળે દેખાઈ રહ્યો છે. એ જ રામજીવાલા દાવો કરી રહ્યો હતો કે તેમણે ડિમોલિશન કરાવ્યુ નથી, પરંતુ CCTVએ પોલ ખોલી નાખી છે. હવે રોડ ડેવલપર સુજલ પ્રજાપતિનો વીડિયો સામે આવ્યો અને મનપાના અધિકારીઓનું પાપ પકડાઈ ગયુ એટલે દોષનો ટોપલો મીડિયા પર ઢોળવાનો પ્રયાસ કરી રહ્યુ છે કે મીડિયાએ મુદ્દાને ખોટી રીતે ઉભો કર્યો છે.

ત્યારે અહીં સવાલ એ છે કે મનપાના સત્તાધિશોએ કોઈ સારા ચશ્મા ચડાવીને જોવાની જરૂર છે કે મીડિયા આમા ક્યાં આવ્યુ? કોની મીલિભગતને કારણે 100 લોકોના માથેથી છત છીનવવાનું પાપ કર્યુ? સૌથી મોટો સવાલ તો એ છે કે SMC ના અધિકારીઓએ કોને ફાયદો પહોંચાડવા માટે 100 ગરીબ લોકોને રસ્તે રઝળતા કરી દીધા? સંવેદનશીલ હોવાની વાતો કરતી સરકાર સામે પણ સવાલ છે કે આ તો કેવી સંવેદનશીલતા છે કે 40 વર્ષથી રહેતા, નિયમિત વેરો ભરતા લોકોને ગેરકાયદે ગણાવી રસ્તે ફેંકી દેવામાં આવે છે?

Input Credit- Baldev Suthar- Surat

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Published On - 9:31 pm, Thu, 11 June 26

Follow Us