હીરાઉદ્યોગમાં (Diamond Industry ) હાલના સમયે રફ હીરાની અછત (Shortage ) સામે તૈયાર હીરાના ભાવો ડાઉન (Down )જતાં ઉદ્યોગમાં ફરી એકવાર મંદી જેવી સ્થિતિનું વાતાવરણ બની ચૂક્યું છે. જેને કારણે કેટલાંક કારખાનેદારોએ કામના કલાકો ઘટાડ્યા છે તો અન્ય કેટલાંક કારખાનેદારોએ હવેથી સપ્તાહમાં બે રજાની અમલવારી શરુ કરવાનું નક્કી કર્યુ છે. હીરાઉદ્યોગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, કોરોનાની બીજી લહેર બાદ હીરાઉદ્યોગમાં સ્થિતિ તદન બદલાઇ હતી અને ઉદ્યોગની ગાડી ટોપ ગિઅરમાં ચાલી રહી હતી ત્યારબાદ હવે વર્તમાન સમયમાં રશિયા અને યુકેન યુદ્ધ સહિત અન્ય કેટલાંક પરિબળોને કારણે વૈશ્વિક કક્ષાએ પોલીશડ ડાયમંડની માગ ઘટી જવા સાથે-સાથે રફ હીરાની પણ અછત સર્જાતા સમગ્ર હીરા ઉદ્યોગ પર તેની નકારાત્મક અસર પડી છે.
આ નકારાત્મક અસરોને કારણે સુરત શહેરના કેટલાંક હીરા કારખાનેદારોએ કામના કલાકો ઘટાડી નાખ્યા છે તો કેટલાંક કારખાનેદારો હવેથી સપ્તાહમાં રત્ન કલાકારો માટે બે રજાના અમલીકરણ કરવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હીરાઉદ્યોગની વર્તમાન ડામાડોળ પરિસ્થિતિને કારણે નાના-મોટાં હીરા કારખાનેદારો થોભો અને રાહ જુઓની નીતિને અનુસરીને રફ હીરાની ખરીદી અટકાવી દીધી છે.પોલીશડ ડાયમંડનું બજાર આગામી સમયમાં સુધરે તો કારખાનેદારો વેપાર કરવાના મૂડમાં આવે એવા સંજોગો બજારમાં હાલના સંજોગોમાં તો ઉદ્ભવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં ઉદ્યોગની સ્થિતિ પર વેપારીઓ નજર રાખીને બેઠાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન જ હીરાઉદ્યોગમાંતેજીનો જોરદાર પવન ફૂંકાયો હતો. વિકટ પરિસ્થિતિમાં પણ હીરાઉદ્યોગમાં વાતાવરણ સારું રહ્યું હતું. એટલે સુધી કે આ તેજીની વહેતી ગંગામાં પોતાનો વ્યવસાય ન હોય એવાં ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારીઓ પણ હાથ ધોવા માંડ્યા હતા. અને આ ઇન્ડસ્ટ્રી માં ઈન્વેસ્ટ કર્યું હતું. એમણે મોટા પ્રમાણમાં હીરાની રફ ખરીદી હતી. હવે મંદી આવતાં કોરોનાની કમાણી હીરાની મંદીમાં સમાણી જેવો ઘાટ થયો છે.
હાલ હીરા ઉદ્યોગમાં પાંખા કામકાજને કારણે ભાવનગર, અમરેલી ખાતેના હીરાના કારખાનામાં કામકાજ નહીંવત્ થઈ ગયા છે. અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે. હવે રત્નકલાકારો માટે પેકેજની માગણી સુરતના હીરા ઉદ્યોગમાંથી પણ ઉઠે તેવા એંધાણ મળી રહ્યા છે.