સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલમાં બાળકને સારવાર માટે લઈને આવેલા માતા-પિતા પુત્રના મોત બાદ ચાલ્યા ગયા હતા. જેને લઈને પોલીસ દ્વારા માતા-પિતાને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. માતા પિતાનું એડ્રેસ પણ ટૂંકું હોવાથી પોલીસ પણ ગોથે ચડી હતી. જોકે 7 કલાક બાદ પોલીસ માતા પિતા સુધી પહોંચી હતી.
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં રહેતા શુભાન્સ વર્મા પરિવાર સાથે રહે છે તેની પત્ની મમતાએ 15 દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જેના ચાર દિવસ બાદ પુત્રને શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. જેથી તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં તેને એનઆઇસિયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન રાત્રે બાળકનું મોત થઈ ગયું હતું. પુત્રના મોતની જાણ થતા માતા પિતા પુત્રના મૃતદેહને છોડીને સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા. ડોક્ટરો દ્વારા બાળકના માતા પિતાની શોધખોળ પણ કરવામાં આવી હતી પણ તે મળી આવ્યા ન હતા. જેથી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લખાયેલા નામ અને એડ્રેસ આધારે શોધખોળ કરવા પ્રયાસ હાથ કર્યો છે. જોકે શુભાન્સ વર્માના એડ્રેસમાં માત્ર હોજીવાલા વિસ્તાર લખ્યો હોવાથી પોલીસ પણ એને શોધવામાં ગોથે ચડી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ બાળક મોત બાદ પણ માતા-પિતાની રાહ જોઈ રહ્યો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી હતી. જ્યારે પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી. માતા પિતા ન મળે ત્યાં સુધી બાળકનો મૃતદેહ સાચવી રાખવો પડે તેવી સ્થિતિ બની ગઈ હતી.
પોલીસે મૃતક બાળકના માતા પિતાની શોધખોળ કરતા 7 કલાક બાદ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, પુત્રના મોત બાદ માતાની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પતિ દોડી ગયો હતો. હાલ પોલીસ પિતાને સિવિલ હોસ્પિટલ લાવી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…