મનપા (SMC) દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલનું (Electric Vehicle) ચલણ વધારવા અને પેટ્રોલ – ડિઝલ બેઝ નવા વાહનો નિયંત્રિત કરવાના ભાગરૂપે આજીવન વ્હીકલ ટેક્સના (Tax) માળખામાં પણ સુધારો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તંત્ર દ્વારા બજેટમાં વ્હીકલ ટેક્સમાં વધારો સૂચવાયો છે, જ્યારે ઈલેક્ટ્રિક વ્હીકલને આગામી ચાર વર્ષ તબક્કાવાર વ્હીકલ ટેક્સમાં અનુક્રમે 100 ટકા , 75 ટકા , 50 ટકા અને 25 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
એટલું જ નહીં, ઈ -વ્હીકલને મનપા સંચાલિત કોઈપણ પે એન્ડ પાર્કમાં ત્રણ વર્ષ સુધી કોઈપણ પ્રકારના પાર્કિંગ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે. એક્સ શો – રૂમ કિંમત પર હાલ બે ટકા વાહનવેરો વસૂલાય છે જે યથાવત રાખવામાં આવશે. થ્રી – વ્હીલ વાહનો પર હાલ 2.50 ટકા વાહનકર વસૂલાય છે. જેને બદલે હવે જો આરટીઓ રજિસ્ટ્રેશન વખતે સીએનજી ફીટેડ થ્રી – વ્હીલ વાહન હોય તો 1.50 ટકા વાહનકર વસૂલવાનું સૂચવાયું છે. હાલ 20 લાખ સુધીના ફોરવ્હીલ વાહનો માટે 2.50 ટકા અને 20 લાખથી વધુ કિંમતના વાહનો માટે 3.50 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.
હવે આગામી વર્ષથી 10 લાખ સુધીના વાહન માટે પડતર કિંમતમાં 2.5 ટકા, 10થી 25 લાખ સુધીના વાહનો માટે 3.5 ટકા અને 25 લાખથી વધુ પડતર કિંમત ધરાવતા વાહનો માટે 4 ટકા આજીવન વાહનવેરો વસૂલવાનું બજેટમાં સૂચવવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના ઉત્થાન માટે પિન્ક ઓટો પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે અને હવે તેની સાથે ઈ ઓટો પ્રોજેક્ટ પણ લાગુ કરાયો છે. જેમાં 135 લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. ઈ ઓટોની ખરીદી કરનારને રૂપિયા 30 હજારની સબસીડી આપવામાં આવશે. મહિલા લાભાર્થીઓને તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. રોજગારી પુરી પાડવા માટે બીઆરટીએસ અને સીટી બસ સ્ટોપથી લાસ્ટ માઈલ કનેક્ટિવિટી માટે ફીડર સર્વિસ પણ ઉભી કરાશે.
ગ્રીન મોબિલિટી માટે નવી વધુ 150 ઈલેક્ટ્રિક બસ ખરીદવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે બજેટમાં બીઆરટીએસ માટે રિપિયા 9 કરોડ અને ટ્રાફિક વિભાગ માટે રૂ.39 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આમ હવે ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન મળે તે દિશામાં પણ કોર્પોરેશન આગળ વધી રહી છે.
આ પણ વાંચોઃ Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર