લંડનની કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સ કોઈનમાં(Bucks Coins) રોકાણના નામે સુરતના(Surat) સાત રોકાણકારો સાથે રૂ.2.32 કરોડની ઠગાઈની(Fraud) ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.ભોગ બનેલા સગરામપુરાના બિલ્ડરે કંપનીના માલિક મોહસીન જમીલ, ડાયરેકટર ગણેશ સાગર,ચંદ્રશેખર બાલી અને મુખ્ય એજન્ટ વડોદરાના સી.એ પ્રશાંત બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સગરામપુરા કાળા મહેતાની શેરી રીધ્ધી સીધ્ધી રેસીડંન્સી ફ્લેટ નં.603 માં રહેતા 42 વર્ષીય બિલ્ડર સુશીલભાઇ દિપકભાઇ ડોક્ટરે જૂન 2017 માં લંડનની કંપની BITSO LIVES એ બહાર પાડેલા બક્સ કોઈનમાં તેના મુખ્ય એજન્ટ વડોદરાના સી.એ પ્રશાંત બ્રહ્મભટ્ટ મારફતે કુલ રૂ.2,08,80,000 નું રોકાણ કર્યું હતું. તેમણે પોતાના છ મિત્રો હિરેન અશોકભાઇ ચેવલી, અભીષેકભાઇ દોરીવાલા, બરકતઅલી શેખ, હીરેન કિનારીવાલા, મયુર રૂપાવાલા અને જીગર કાપડીયા પાસે પણ રૂ.23.20 લાખનું રોકાણ તેમાં કરાવ્યું હતું.
જેમાં કંપની રોકાણની સામે આઈડી બનાવી જુદીજુદી સ્કીમમાં રોકાણ કરાવી 6 ટકાથી માંડીને 12 ટકા સુધીના વળતરની લાલચ આપતી હતી અને તેના સંચાલકો 20 મહિનાના રોકાણની સામે પૈસા ડબલ કરવાની પણ વાત કરતા હતા.જોકે, બાદમાં કંપનીએ પાકતી મુદતે રોકેલી રકમ કે વળતર નહી ચુકવી એક્સચેન્જ પણ અપગ્રેડ કરવાનું બંધ કરી કરોડોમાં ઉઠમણું કયું હતું. તેમાં સુશીલભાઈ અને મિત્રોના કુલ રૂ.2.32 કરોડ ફસાયા હતા.આ ઉપરાંત, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો પાસે મોટું રોકાણ કરાવાયું હતું. આથી સુશીલભાઈએ ગત રોજ મૂળ લંડનની લંડનની પ્રમોટર કંપની BITSO LIVES ના માલિક મોહસીન જમીલ, ડાયરેકટર ગણેશ સાગર,ચંદ્રશેખર બાલી અને મુખ્ય એજન્ટ વડોદરાના સી.એ પ્રશાંત બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવતા તપાસ આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઈ જી.એન.સુથારને સોંપાઈ છે.
તેમજ હાલમાં જ મહારાષ્ટ્રના પૂનામાં પણ બક્સકોઈનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.બક્સકોઈન લોન્ચ કરવા માટે 4 નવેમ્બર, 2017 ના રોજ મલેશીયામાં ઇવેન્ટ કરવામાં આવી હતી અને તેમાં બિલ્ડર સુશીલભાઈ પત્ની અને પુત્રી સાથે ગયા હતા. તે સમયે રોકાણ કરે તેને 0.10 સેન્ટના ભાવે બક્સકોઈન આપવાની જાહેરાત થતા સુશીલભાઈએ રૂ.15 લાખનું રોકાણ કર્યું હતું. સુશીલભાઈએ કુલ 38 આઈડી મારફતે કુલ રૂ.1,68,80,000 નું રોકાણ કર્યું હતું.
બક્સકોઈનમાં મોટાપાયે રોકાણ કરનાર બિલ્ડર સુશીલભાઈએ કંપનીએ શરૂ કરેલા કેશફાઇનેક્સ ક્રિપ્ટો એક્સચેન્જ ઉપર વિશ્વાસ મૂકી તેમાં અન્ય કોઈનનું પણ ટ્રેડીંગ શરૂ કર્યું હતું. તેમણે પોતાની પાસેના જમા રૂ.25 લાખની વેલ્યુના 3.14 બીટકોઈનનું ટ્રેડીંગ કરી 175.45 ઇથેરીયમ કોઈન ખરીદ્યા હતા. જોકે, એક્સચેન્જ અપગ્રેડ કરવાનું કહી બંધ કરી દેતા તેમણે ઇથેરીયમ કોઈન ગુમાવ્યા હતા. જેની હાલની કિંમત અંદાજીત રૂ.4,10,55,300 જેટલી છે.ગુજરાતમાં સુરત માં કોઈના નામે કરોડો રૂપિયા લોકોના ડૂબ્યા હતા અને જેથી કેટલાક લોકો તો પાયમાલ પણ થઈ ગયા હતા.