સુરત નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરીત થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા જૂની બિલ્ડીંગને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે. તેવા સમયે જ જૂની બિલ્ડિંગમાં આવેલા ડાયાલિસિસ સેન્ટરમાં બે દિવસ પહેલા બાથરૂમમાં સ્લેબના પોપડા પડવાથી ભાગદોડ મચી હતી. આ સાથે આ સેન્ટરમાં કાળજાળ ગરમીમાં એસી પણ બંધ હોવાથી દર્દીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલની જુની બિલ્ડિંગમાં ઘણા વર્ષો પહેલા બાંધકામ થયુ હતુ. તેથી બિલ્ડિંગ જર્જરિત થઇ ગઇ છે. બિલ્ડિંગના કેટલાક ભાગમાં વારંવાર પાણી ટપકવાની, ગટર લીકેજ થવાની અને સ્લેબના ભાગ તથા પોપડા અને સિલિંગ ફોલ સહિતની સમસ્યાઓ સર્જાઇ રહી છે. જુની બિલ્ડિંગને તોડીને નવી બનાવે ત્યાં સુધી કિડની વિભાગની બિલ્ડિંગમાં વિવિધ વોર્ડના દર્દીઓને શિફ્ટ કરવા પડ્યા છે.
જુની બિલ્ડિંગમાં G-O વોર્ડમાં ડાયાલિસિસ સેન્ટરમાં શનિવારે સાંજે દર્દીઓને મશીન પર ડાયાલિસિસ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે અચાનક આ સેન્ટરમાં બાથરૂમમાં સ્લેબના પોપડા ટબ પર પડયા હતા. જેથી ટબ તુટી ગયુ હતુ. જયારે બાથરૂમમાં કોઇ ન હોવાથી સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. જેના લીધે ત્યાં હાજર વ્યક્તિઓ ગભરાઇ જઇને ભાગદોડ થઇ મચી હતી.
બીજી તરફ ડાયાલીસીસ વોર્ડમાં AC હોવું અતિ આવશ્યક છે. તેમ છતાં AC ન લગાવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે AC લગાવવામાં આવે તેવી માગ ઉઠી છે. જેને લઈ નવી સિવિલ હોસ્પિટલના RMO ડૉ.કેતન નાયકે કહ્યું કે- સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે.
નોધનીય છે કે બે માસ પહેલા ડાયાલિસિસ સેન્ટરમાં આરઓ પ્લાન્ટ પર સ્લેબના પોપડા પડચા હતા. જેથી ડાયાલિસિસ મશીન બંધ થઇ ગયા હતા. બાદમાં ફરી બે દિવસ પહેલા આ સેન્ટરમાં સ્લેબના પોપડા પડ્યા હતા. જેથી દર્દી, ત્યાં ડોકટર સહિતના કર્મચારીઓ ભય જોવા મળી રહ્યો છે. જયારે સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે બંધ થઇ ગયેલા એ.સીને તાકીદે રિપેરીંગ અને જરૂરી કામગીરી કરવાની સૂચના આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…