
ઓનલાઇન શોપિંગ કરતા લાખો ગ્રાહકો માટે ચોંકાવનારો અને ચેતવણીરૂપ કિસ્સો સુરત જિલ્લાના કામરેજમાંથી સામે આવ્યો છે. બ્રાન્ડેડ અને ઓરિજનલ પ્રોડક્ટના નામે ગ્રાહકોને નકલી સામાન મોકલવામાં આવતો હોવાનો મોટો ભાંડો ફૂટ્યો છે. સમગ્ર મામલે કામરેજ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કામરેજ ખાતે આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં કેટલાક કર્મચારીઓ અને અન્ય લોકોની મિલીભગતથી અસલી અને મોંઘી બ્રાન્ડેડ પ્રોડક્ટ બદલીને તેની જગ્યાએ ડુપ્લિકેટ સામાન મૂકવામાં આવતો હતો. ત્યારબાદ આ નકલી પ્રોડક્ટનું પેકિંગ કરીને ગ્રાહકોને ડિલિવરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક ગ્રાહકે એપલ કંપનીનું લેપટોપ રિટર્ન કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગ્રાહક સુધી પહોંચેલું લેપટોપ અસલી નહીં પરંતુ ડુપ્લિકેટ હતું. આ બાબત ફ્લિપકાર્ટના ટીમ લીડરના ધ્યાને આવતા તેઓ તાત્કાલિક કામરેજ વેરહાઉસ ખાતે પહોંચ્યા અને તપાસ હાથ ધરી હતી.
વેરહાઉસમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન જરૂરી ડેટા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું. ત્યારબાદ હાજર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હતી, જોકે સ્ટાફે સમગ્ર ઘટનાથી અજાણ હોવાનો દાવો કર્યો હતો.
શંકાના આધારે વેરહાઉસમાં રહેલી વિવિધ પ્રોડક્ટની ચકાસણી કરવામાં આવતા મોટાપાયે ગેરરીતિ બહાર આવી હતી. તપાસમાં અંદાજે 82 લાખ રૂપિયાથી વધુ કિંમતની 170 જેટલી પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. જેમાં 7 લેપટોપ, 9 મોબાઈલ ફોન અને 105 જેટલા પ્રોસેસર સહિતની મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં વેન્ડર, ડિલિવરી બોય તેમજ અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા સામે આવતા કુલ પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે સમગ્ર નેટવર્કની કડીઓ શોધવા, અન્ય સંડોવાયેલા લોકોની ઓળખ કરવા અને કેટલા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તેની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
આ ઘટનાએ ઓનલાઈન શોપિંગની સુરક્ષા અને વેરહાઉસ મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સાથે જ ગ્રાહકોને પણ ઓનલાઈન મોંઘી પ્રોડક્ટ ખરીદતી વખતે સાવચેત રહેવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો- Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ‘CREW ફિલ્મ’ જેવા દ્રશ્યો, દુબઈથી આવેલી ફ્લાઇટમાં 4.26 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું
Published On - 9:33 am, Sat, 13 June 26