ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પૂર્વે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ગુજરાત સરકારને ઘેરવાના સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં (Surat) આમ આદમી પાર્ટી ખખડધજ શાળા અને ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો છે. આજે સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ખાનગી સ્કૂલોમાં ફી વધારો પરત લેવા, ડોનેશન પ્રથા બંધ કરવા, ખાનગી સ્કૂલોની મનમાની પર અંકુશ સહિત વિવિધ માગણીઓ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા આજે ખાનગી શાળાઓમાં ઉઘાડી લૂંટના વિરોધમાં વનિતા વિશ્રામ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ખાનગી શાળાઓની મનમાની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં પાર્ટીના નેતાઓ દ્વારા રાજ્યમાં સતત કથળી રહેલી શિક્ષણ નીતિ વિરૂદ્ધ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ અને દિલ્હીમાં ખાનગી શાળાઓમાં ફી વધારા અને ડોનેશન પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે ગુજરાતમાં હજી પણ ડોનેશન પ્રથા વાલીઓના શોષણ માટે નિમિત્ત બની રહી છે. બીજી તરફ ખાનગી શાળા દ્વારા પુસ્તકો,યુનિફોર્મ, બુટ-મોજાની ખરીદી ચોક્કસ દુકાનો-એજન્સીમાંથી જ કરવા માટે વાલીઓ પર રીતસર દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના પર પ્રતિબંધ મુકાવો જોઈએ.
સુરત જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક હાલત દયનીય થઈ છે. આ સ્થિતિમાં ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવેલો ફી વધારો પરત ખેંચવામાં આવે. ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફી વધારાને પગલે સરકાર દ્વારા એફ.આર.સી. કમિટીમાં વાલીઓને પણ સભ્ય તરીકે સમાવેશ કરવાની માગ કરવામાં આવી હતી. આવેદન પત્ર પાઠવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
વનિતા વિશ્રામ ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા આમ આદમી પાર્ટીના નેતા, કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. આ રેલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો શાળાના ગણવેશમાં પહોંચતા રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહન ચાલકોમાં પણ કુતુહલ સર્જાયુ હતું. ખાનગી શાળાઓની મનમાની અને ફી વધારા મુદ્દે આજે યોજવામાં આવેલી રેલીમાં આપ નેતાઓ દ્વારા કરવામાં આવેલો અનોખો વિરોધ શહેરીજનોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો