Surat: મિત્રએ જ મિત્રને બોલાવી માર મારી લૂટી લીધો, પોલીસે 5 શખસોની ધરપકડ કરી

પ્રકાશે મીતની 2 લાખ રોકડા અને આઇ-20 ગાડી માંગી હતી. મીતએ રોકડા કે ગાડી આપવાની પણ ના પાડતા પ્રકાશ અને તેના મિત્રોએ મળીને મીતની પાસેથી રોકડા 6 હજાર, 30 હજારની કિંમતનો આઈફોન, તેના મિત્ર કિશન પાસેથી ૭ હજાર અને મોપેટ લૂંટી લીધા.

Surat: મિત્રએ જ મિત્રને બોલાવી માર મારી લૂટી લીધો, પોલીસે 5 શખસોની ધરપકડ કરી
police arrested 5 persons
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jun 25, 2022 | 3:48 PM

સુરત (Surat) ના વરાછા વિસ્તારમાં એક મિત્ર (Friend) એ બીજાને વારંવાર ફોન કરીને ઘરે બોલાવ્યા બાદ કહ્યું કે, ‘તું બહુ મોટો થઇ ગયો છે, તારી ગાડી આપ નહીંતર 2 લાખ આપ. તેમ કહીને મિત્રને ચાર્ઝર વાયરથી માર મારીને તેની પાસેથી એક સેમસંગ અને આઇફોનનો મોબાઇલ ઉપરાંત એક મોપેડ અને રોકડા રૂ. 13 હજારની લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ કરનાર પાંચ યુવકોને વરાછા પોલીસ (Police) એ ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા અને આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે..

સુરતના પુણાગામ સિલ્વર ચોક આશાદીપ સ્કુલની બાજુમાં શિક્ષાપાત્રી એવન્યુ ખાતે રહેતા મૂળ જૂનાગઢના મીત રતીભાઈ ઝાલાવાડિયા (ઉ.વ.19) ઓનલાઈન સાડી વેચવાનો વેપાર કરે છે. મીત અગાઉ હીરા ઘસવાનું કામ કરતો હતો ત્યારે તેની મુલાકાત વરાછા માતાવાડી વર્ષા સોસાયટીમાં રહેતા પ્રકાશ ઉર્ફે રાહુલ ઘોદો મનુભાઇ બાંભણીયાની સાથે થઇ હતી. ત્યારબાદ આ મીત સાડીના વેપારમાં જોતરાઇ ગયો હતો.

દરમિયાન ગુરૂવારે બપોરના સમયે પ્રકાશે મીતને ફોન કરીને કહ્યું કે, મારી પત્ની મોહીનીને પીઝા ખાવા છે, તું આપી જા. મિત્રતા ભાવે મીત પોતાની આઇ-20 ગાડીમાં પીઝા આપવા માટે ગયો હતો. ત્યારબાદ ફરીવાર પ્રકાશે મીતને ફોન કરીને બોલાવ્યો હતો પરંતુ મીત કામમાં વ્યસ્ત હોવાથી આવી શક્યો ન હતો. વારંવાર આઠથી 10 ફોન કર્યા બાદ મીત અકળાયો હતો અને તે પ્રકાશને મળવા માટે ગયો હતો. પ્રકાશ કોઇ માથાકૂટ કરે તે માટે થઇને મીત અન્ય એક કિશન નામના યુવકને મોપેડમાં લઇને ગયો હતો. તેઓ બંને પ્રકાશના ઘરે પહોંચ્યા ત્યારે પ્રકાશે મીતને કહ્યું કે, મારી પાછળ-પાછળ આવ. મીત પ્રકાશની પાછળ પાછળ થોડે દૂર ગયો અને ગાડી ઊભી રાખી દીધી હતી. ત્યારે આગળ ધવલ હિતેષ શિંગડીયા, ખુશાલ કેશુ કોઠારી તથા એક અજાણ્યો યુવક પણ હાજર હતા.

આ દરમિયાન પ્રકાશે મીતને કહ્યું કે, તું બહુ રૂપિયાવાળો બની ગયો છે, મોટી ગાડીમાં અને મોંઘા ફોન લઇને ફરે છે કહીને બળજબરીથી માર મારીને મોપેડ ગાડીમાં અપહરણ કરીને લઇ જવાયો હતો. મીતને મોબાઇલ ચાર્જરના વાયર વડે માર મારવામાં આવ્યો હતો અને તેની પાસેથી 2 લાખની માંગ કરી હતી. મીતેએ રૂપિયા આપવાની ના પાડતા પ્રકાશે મીતની આઇ-20 ગાડી માંગી હતી. મીતએ ગાડી આપવાની પણ ના પાડતા પ્રકાશ અને તેના મિત્રોએ મળીને મીતની પાસેથી રોકડા 6 હજાર, 30 હજારની કિંમતનો આઈફોન, તેના મિત્ર કિશન પાસેથી ૭ હજાર અને મોપેટ લૂંટી લીધા બાદ પરત મીતના ઘર પાસે છોડી મુક્યો હતો. બનાવ અંગે મીતએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી લૂંટ અને મારામારી કરનાર પાંચની ધરપકડ કરી હતી.

કોની કોની ધરપકડ કરાઇ

  • પ્રકાશ ઉર્ફે રાહુલ ઘોદો મનુભાઇ બાંભણીયા
  • ખુશાલ કેશુભાઇ કોઠારી
  • ધવલ હિતેશભાઇ શીંગડીયા
  • સુમીત પ્રભુભાઇ રાવલ
  • સંકેત જ્ઞાનેશ્વરભાઇ ગલવાડે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati