સુરતની (Surat) તક્ષશિલા હોનારત બાદ સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા શહેરના ફાયર વિભાગને અત્યાધુનિક બનાવવા માટે સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ તબક્કામાં હવે સુરત મહાનગર પાલિકા દ્વારા અંદાજે 17.50 કરોડ રૂપિયાના ખર્ચે 90 મીટરના એરિયલ લેડર પ્લેટફોર્મની (Aerial ladder) ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે અને તેને સૈદ્ધાંતિક મંજુરી મળ્યા બાદ આગામી દોઢેક વર્ષમાં સુરતના ફાયર વિભાગ (Fire Department) પાસે આ સુવિધા ઉપલબ્ધ થશે. હાલ સુરત ફાયર વિભાગ પાસે 70 મીટરની ઉંચાઈ ધરાવતાં એરિયલ લેડર પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં સુરતમાં સાકાર થનાર 100 મીટર સુધીની ઉંચાઈ ધરાવતી ઈમારતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં અલગ ઓળખ ઉભી કરનાર સુરત શહેરમાં ફાયર વિભાગને હોનારત સામે સજ્જ કરવા માટે મહાનગર પાલિકા દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે. હાલમાં જ ફાયર વિભાગને આગ જેવી હોનારતમાં ફાયરના જવાનો માટે આર્શીવાદ રૂપ ફાયર રોબોટ મશીનની ખરીદી કરવામાં આવી છે ત્યારે હવે સમગ્ર રાજ્યમાં પહેલી વખત 90 મીટરની હાઈટ ધરાવતાં એરિયલ લેડર પ્લેટફોર્મની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફિનલેન્ડની બ્રોન્ટો સ્કાયલિફ્ટ નામની કંપનીના મુંબઈ ખાતેના ઓથોરાઈઝ્ટ એજન્ટ પાસેથી અંદાજે 17.51 કરોડ રૂપિયાના ખર્ચે આ અત્યાધુનિક મશીનરી ખરીદવામાં આવશે. જેને પગલે સુરત શહેરમાં હાઈરાઈઝ ઈમારતો સહિત ટેક્સટાઈલ માર્કેટો અને ઔદ્યોગિક સંકુલોમાં અગ્નિકાંડ જેવી હોનારત દરમ્યાન બચાવ અને રાહતની કામગીરીમાં આ મશીનરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હાલ આટલી ઉંચાઈ ધરાવતાં એરિયલ લેડર પ્લેટફોર્મની સુવિધા મુંબઈ મહાનગર પાલિકા પાસે ઉપલબ્ધ છે. જોકે, આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યા બાદ અંદાજે દોઢ વર્ષ બાદ આ મશીનરીની ડિલીવરી કરવામાં આવશે.
ફિનલેન્ડ ખાતે તૈયાર થનાર 90 મીટરની ઉંચાઈ ધરાવતું એરિયલ લેડર પ્લેટફોર્મ મુંબઈ પોર્ટ પર આવ્યા બાદ ટેન્ડરની શરતો મુજબ કસ્ટમ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી, વાર્ફેઝ ચાર્જીસ, સર્વિસ ટેક્સ સહિત ડોકયાર્ડ અને અન્ય ડ્યુટી પેટે સુરત મહાનગર પાલિકાએ અંદાજે 2.25 કરોડ રૂપિયાની ચુકવણી રહેશે. આ સિવાય કંપનીના ઓથોરાઈઝ્ડ એજન્ટ બ્રિજવાસી ફાયર સેફ્ટી સિસ્ટમ કંપનીને ઈક્વીપમેન્ટ માટે ક્લીયરન્સ ફોરવર્ડીંગ, ઈન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ટેક્સ સહિતના ચાર્જ મળીને કુલ 2.86 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. આમ, મુંબઈ ડોક યાર્ડથી સુરત પહોંચે તે પહેલા આ એરિયલ લેડર પ્લેટફોર્મ પાછળ સુરત મહાનગર પાલિકાને અંદાજે પાંચ કરોડનો વધારાનો ખર્ચ કરવો પડશે.
સુરત ફાયર વિભાગ માટે અત્યાધુનિક અને વૈશ્વિક સ્તરના એરિયલ લેડર પ્લેટફોર્મની જાળવણી અને મેઈન્ટેનન્સ પાછળ સાત વર્ષમાં 1.42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
વિકાસની હરળફાળ ભરી રહેલા સુરત શહેરમાં સાકાર થનાર ગગનચુંબી ઈમારતોમાં સંભવિત હોનારતને ધ્યાને રાખીને ફાયર વિભાગ દ્વારા 90 મીટરના એરિયલ લેડર પ્લેટફોર્મની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સુરત મહાનગર પાલિકા પાસે 70 મીટરની ઉંચાઈ ધરાવતા એરિયલ લેડર પ્લેટફોર્મની સુવિધા છે. જ્યારે અમદાવાદ અને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા હાલમાં જ 81 મીટરની ઉંચાઈ ધરાવતાં એરિયલ લેડર પ્લેટફોર્મની ખરીદી કરવામાં આવી છે. જો કે હવે સમગ્ર રાજ્યમાં સુરત જ એકમાત્ર મહાનગર પાલિકા બનશે કે જેના ફાયર વિભાગ પાસે 90 મીટરના એરિયલ લેડર પ્લેટફોર્મની સુવિધા ઉપલબ્ધ હશે.