સુરત (Surat) શહેરના હાર્દ સમા ચૌટા બજાર (Chauta bazar)માં દબાણના કાયમી વિવાદમાં હવે સ્થાનિકો અને વેપારીઓ (Merchants)પણ સામ – સામે આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર દબાણ કરનારાઓ પાસેથી મહિનાનું ભાડુ વસુલવા સાથે સંરક્ષણ પણ પુરૂં પાડી રહ્યા હોવાની ચર્ચાઓ ઉઠી છે.
છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ચૌટા બજારમાં દબાણની કાયમી સમસ્યાથી સ્થાનિકોનો સંયમ હવે જવાબ આપી રહ્યો છે. હાલમાં જ સ્થાનિકો દ્વારા ચૌટા બજારની વચ્ચોવચ્ચ ગાડીઓ પાર્ક કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. જેને લઇને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસેથી સ્થિતિ રાબેતા મુજબ થઈ જતાં હવે સ્થાનિકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચી ગયો છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ ચૌટા બજારમાં દબાણની દુર્દશા માટે મહદઅંશે વેપારીઓ પણ જવાબદાર છે. દુકાનોની બહાર બંગડી – ચાંદલા જેવી કટલરી વસ્તુઓ વેચનારા ફેરિયાઓ પાસેથી આ દુકાનદારો મહિનાનું 15થી 40 હજાર સુધીનું ભાડુ વસુલ કરતાં હોય છે અને આટલું ઓછું હોય તેમ રાતના માલ – સામાન દુકાનમાં મુકવાનો પણ અલગથી ચાર્જ લેતા હોય છે. જેને પગલે દુકાનદારોને મહિને દહાડે કોઈપણ પ્રકારની મહેનત વગર જ 20થી 50 હજાર રૂપિયા સુધીની આવકને પગલે દબાણનું દૂષણ બેફામ બનવા પામ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચૌટા બજારમાં કાયમી દબાણ દુર કરવા માટે મનપાના વહીવટી તંત્ર કરતાં નેતાઓની ઈચ્છા શક્તિનો અભાવ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. વોટ બેંકની લાલચમાં સ્થાનિક નેતાઓ દ્વારા ચૌટા બજારમાં દબાણ મુદ્દે નરોવા કુંજરોવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અગાઉ મનપાના અધિકારીઓને ચૌટા બજારમાં દોડાવી – દોડાવીને માથાભારે દબાણકારો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે સ્થાનિક નેતાગીરી કોઈપણ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવાને બદલે પાણીમાં બેસી ગયું હતું અને તેને પગલે જ હવે આ સ્થિતિ ઉભી થઇ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-