Surat Controversy : સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ કર્યા પ્રેમલગ્ન, પાટીદાર સમાજમાં ચર્ચા

સુરત પાટીદાર સમાજમાં લોકગાયિકા રિદ્ધિ રાજપરા અને મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલાના આંતરજ્ઞાતીય પ્રેમલગ્નને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પાટીદાર આગેવાન હિરેન ભેસાણીયાએ સમાજને જાગૃત થવા અપીલ કરી છે અને તેમને સામાજિક કાર્યક્રમોમાં આમંત્રિત ન કરવા જણાવ્યું છે.

Surat Controversy : સુરતની લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ કર્યા પ્રેમલગ્ન, પાટીદાર સમાજમાં ચર્ચા
| Updated on: Jun 20, 2026 | 7:43 PM

સુરત પાટીદાર સમાજમાં ફરી એકવાર આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નના મામલે સમાજમાં ભારે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે સુરતની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે પ્રેમલગ્ન કરતાં નવો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

આ મામલો સામે આવ્યા બાદ પાટીદાર સમાજના આગેવાન હિરેન ભેસાણીયા (રુદ્રા)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સમાજને જાગૃત થવા અપીલ કરી છે. તેમણે પાટીદાર સમાજના વિવિધ મંડળો, સંસ્થાઓ અને આયોજકોને અનુરોધ કર્યો છે કે સમાજના ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાને આમંત્રિત ન કરવામાં આવે. તેમની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ ગરમાયો છે.

હિરેન ભેસાણિયાના જણાવ્યા અનુસાર, રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલા 20 મે, 2026ના રોજ ઘરેથી નીકળી ગયા હતા. ઘટના અંગે જાણ થતાં તેમણે રિદ્ધિના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને બંનેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે દીકરીને પરિવારની લાગણીઓ, સમાજમાં માતા-પિતાના સન્માન અને તેના ભવિષ્ય અંગે સમજાવવામાં આવ્યું હતું, પરંતુ બંનેએ પોતાનો નિર્ણય યથાવત રાખ્યો હતો.

પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, રિદ્ધિના આ પગલાંથી પરિવારને ભારે આઘાત લાગ્યો છે. હાલ પરિવારજનોએ જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરિવારની મુખ્ય માંગ માત્ર એટલી છે કે દીકરી ફરી પરિવાર સાથે સંપર્ક સાધે અને ઘરે પરત ફરે.

આ સમગ્ર ઘટનામાં એક વધુ બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે. રિદ્ધિ રાજપરાએ લગ્ન બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નામ બદલીને ‘આરજે વાઘેલા’ કરી દીધું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

 

સમાજના કેટલાક આગેવાનોનું માનવું છે કે આવી ઘટનાઓ અંગે ગંભીર ચર્ચા અને જાગૃતિની જરૂર છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાયદો હાથમાં લેવાના પક્ષમાં નથી. તેમનું કહેવું છે કે સમાજ સંગઠિત રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરશે અને યોગ્ય સંદેશ આપવાનો પ્રયાસ કરશે.

આ ઘટનાને પગલે રિદ્ધિ રાજપરા અને જયેશ વાઘેલાના કેટલાક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

હાલ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પરિવારજનો અને સંબંધિત લોકો તરફથી વધુ સ્પષ્ટતા સામે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય

Follow Us