Breaking News : સુરતમાં નાસિરનગર ડિમોલિશનની બેઠકમાં મીડિયાને કેમ નો એન્ટ્રી? આખું તંત્ર સવાલોના ઘેરામાં..

સુરતના નાસિરનગર ડિમોલિશન વિવાદમાં SMCએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. મનપાએ કાર્યવાહીને કાયદેસર ગણાવી, જ્યારે મીડિયા પ્રતિબંધ અને નોટિસ ન આપવાના મુદ્દે સવાલો ઉઠ્યા.

Breaking News : સુરતમાં નાસિરનગર ડિમોલિશનની બેઠકમાં મીડિયાને કેમ નો એન્ટ્રી? આખું તંત્ર સવાલોના ઘેરામાં..
| Edited By: | Updated on: Jun 11, 2026 | 5:25 PM

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે હવે સુરત મહાનગરપાલિકા (SMC) હરકતમાં આવી છે. આ મુદ્દે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મનપાના ઉચ્ચ અધિકારીઓની હાઈલેવલ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મનપા કમિશનર સહિત વિવિધ વિભાગોના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

મીડિયા કર્મચારીઓ અને મનપાના સ્ટાફ વચ્ચે ઘર્ષણ

જોકે, આ બેઠક દરમિયાન મીડિયા પ્રતિનિધિઓને અંદર જતાં રોકવામાં આવ્યા હતા, જેના કારણે મીડિયા કર્મચારીઓ અને મનપાના સ્ટાફ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ મૂકાતા સમગ્ર મામલે વધુ પ્રશ્નો ઊભા થયા છે.

આ દરમિયાન સુરત મનપાના એડિશનલ સિટી ઈજનેરે ડિમોલિશન અંગે પહેલીવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે નાસિરનગરમાં કરવામાં આવેલી કાર્યવાહી કોઈ “ભૂતિયા ડિમોલિશન” નહોતી, પરંતુ કાયદાકીય જોગવાઈઓને અનુરૂપ કરવામાં આવેલી કાર્યવાહી હતી.

તેમણે જણાવ્યું કે મનપાની ટીમ સ્થળ પર ડીમાર્કેશન અને જાહેર રસ્તો ખુલ્લો કરવાના હેતુથી પહોંચી હતી. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી હતી. ઉપરાંત, સમગ્ર મામલે રચાયેલી તપાસ સમિતિને મનપા દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

કાર્યવાહી કાયદેસર હતી?

એડિશનલ સિટી ઈજનેરે કેટલાક મીડિયા અહેવાલોને એકતરફી ગણાવતા જણાવ્યું કે સમગ્ર હકીકત સામે આવે તે પહેલાં ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે. જોકે, તેમના આ નિવેદન બાદ અનેક સવાલો વધુ તેજ બન્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કાર્યવાહી કાયદેસર હતી, તો અસરગ્રસ્તોને અગાઉથી નોટિસ કેમ આપવામાં આવી નહોતી? તેમજ મીડિયા સામે માહિતી જાહેર કરવામાં સંકોચ શા માટે દાખવવામાં આવી રહ્યો છે?

બીજી તરફ, આ મામલે ધારાસભ્ય વિનુ મોરડીયાએ પણ મનપાના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે સમગ્ર ડિમોલિશન પાછળ કોઈના હિતો અને લાભો જોડાયેલા હોવાની શંકા વ્યક્ત થાય છે.

વિનુ મોરડીયાએ જણાવ્યું કે તેમને કોઈ વ્યક્તિ, સમાજ કે કોમ સાથે કોઈ પ્રકારનો વાંધો નથી, પરંતુ જ્યારે તેમણે ડિમોલિશન અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે કેટલાક લોકો અસ્વસ્થ થઈ ગયા. તેમણે કહ્યું કે આ મામલે પારદર્શક તપાસ થવી જોઈએ જેથી સત્ય સામે આવી શકે.

નાસિરનગર ડિમોલિશન કેસ હવે રાજકીય અને વહીવટી બંને સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. તપાસ સમિતિનો અહેવાલ અને મનપાની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.

તંત્રની બેદરકારી જ કહેવાય ને..! અંકલેશ્વરમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી, જુઓ Video

Follow Us