Middle East Tensions : સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર યુદ્ધની અસર, ઉદ્યોગકારોમાં રાહતની માંગ ઉઠી

સુરતના ઉદ્યોગ પર ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે શહેરના હીરા અને કાપડ ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી છે. વિદેશી ઓર્ડરોમાં ઘટાડો નોંધાતા સુરતના અર્થતંત્ર પર આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ, જે મુખ્યત્વે અમેરિકા અને યુરોપના બજારો પર નિર્ભર છે, તેમાં નિકાસ ઘટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

| Edited By: | Updated on: Mar 11, 2026 | 2:23 PM

સુરતના ઉદ્યોગ પર ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે શહેરના હીરા અને કાપડ ઉદ્યોગ પર નકારાત્મક અસર પડી છે. વિદેશી ઓર્ડરોમાં ઘટાડો નોંધાતા સુરતના અર્થતંત્ર પર આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે. ખાસ કરીને હીરા ઉદ્યોગ, જે મુખ્યત્વે અમેરિકા અને યુરોપના બજારો પર નિર્ભર છે, તેમાં નિકાસ ઘટવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હીરા ઉદ્યોગ માટે દુબઈ મહત્વનું વેપાર કેન્દ્ર છે, પરંતુ ત્યાં જતી અનેક ઉડાનો રદ થતાં કાચા હીરાનો પુરવઠો અટકી ગયો છે. તેના કારણે કાચા માલની અછત, ઘસાઈ-પોલિશ કરેલા હીરાની નિકાસમાં ઘટાડો અને ચુકવણી અટવાઈ જવાની સમસ્યાઓ ઉભી થઈ છે. કાચા હીરાની આયાત બંધ થવી અને તૈયાર હીરાની નિકાસમાં ઘટાડો થવાથી હીરા ઉદ્યોગ ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જેમ અને જ્વેલરી સંઘના આંકડા મુજબ વર્ષ 2024-25 દરમિયાન કુલ નિકાસ 7,878.16 મિલિયન ડોલર હતી, જ્યારે એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન તે ઘટીને 7,680 મિલિયન ડોલર રહી છે.

બીજી તરફ સુરત કાપડ ઉદ્યોગનું પણ મહત્વનું કેન્દ્ર છે, પરંતુ યુદ્ધના કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે. પરિવહન અને ઈંધણ મોંઘું થતાં કાપડ ઉદ્યોગમાં વપરાતા સૂત અને રંગ-રસાયણોના ભાવ વધ્યા છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. કાચા માલની આયાત અને ગેસ પુરવઠામાં અવરોધ આવતાં ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે તૈયાર માલની નિકાસમાં અડચણ આવતા માલનો જથ્થો અટકી રહ્યો છે અને ઉદ્યોગકારોને ચુકવણી ફસાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત દક્ષિણ ગુજરાત વેપાર અને ઉદ્યોગ મંડળના પ્રમુખે સરકાર સમક્ષ ઉદ્યોગને રાહત આપવા માંગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ સુરતમાં ત્રણ મુખ્ય નીતિઓ હેઠળ ઉદ્યોગકારોની અંદાજે 22,400 ફાઈલો સરકારી કચેરીઓમાં પ્રક્રિયા હેઠળ છે અને લગભગ 4,000 કરોડ રૂપિયાની સહાય બાકી છે. જો સરકાર આ સહાય ઝડપથી ચૂકવે તો કપરા સમયમાં ઉદ્યોગોને મોટી રાહત મળી શકે છે.

આ પણ વાંચો- Breaking News: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર ગુજરાતમાં, ગેસ અછતથી હોટેલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા

Published On - 2:23 pm, Wed, 11 March 26