Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, વલસાડ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં વરસાદથી ખુશીનો માહોલ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વે અનેક ઠેકાણે વરસાદ નોંધાયા બાદ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદના મંડાણ થયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વે અનેક ઠેકાણે વરસાદ નોંધાયા બાદ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદના મંડાણ થયા છે. જેમાં વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદના મંડાણ થયા છે. અને, જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે શહેર અને જિલ્લામાં પાણી-પાણી થઇ ગયું છે.
વલસાડમાં નોંધાયો સારો વરસાદ
છેલ્લા મળતા સમાચાર અનુસાર વલસાડ જિલ્લામાં છેલ્લા બે કલાકમાં વાપી શહેરમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં જિલ્લાના ઉંમરગામમાં 3 ઇંચ અને કપરાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે આ તમામ શહેરોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો શહેરના રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે.
સુરતમાં પણ વહેલી સવારથી વરસાદ
સુરત શહેરની વાત કરીએ તો અહીં પણ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અને, વહેલી સવારથી જ આકાશમાં કાળાડિંબાગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. જેમાં શહેરના અડાજણ, રાંદેર, કતારગામ અને વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો સુરત જિલ્લામાં વરસાદની વાત કરીએ તો જિલ્લાના માંડવી, ઓલપાડ અને કામરેજ પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે.
નવસારી, ડાંગ અને તાપીમાં પણ મેઘમહેર
તો દક્ષિણ ગુજરાતના નવસારી અને તાપી જિલ્લામાં પણ વરસાદી મહેર જોવા મળી છે. નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ડોલવણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. અહીં નોંધનીય છેકે ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અનેક ડેમોમાં નવા નીર ઉમેરાયા છે. જેમાં ઉકાઇ ડેમમાં પાણીની આવક વધી છે. જેમાં ઉકાઇ ડેમની જળસપાટી 330 ફુટ નજીક પહોંચી છે. સારા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. અને, ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.